ધોળાકૂવામાં રૃા.૫.૪૦ કરોડના ખર્ચે પાણીની લાઈનનું નવું નેટવર્ક ઊભું કરાશે
ગાંધીનગર શહેર બાદ હવે
દસ લાખ લિટરની ક્ષમતાની અન્ડરગ્રાઉન્ડ ટાંકી બનાવાશે ધારાસભ્યની રજૂઆત બાદ સરકારે મંજૂરી આપી
ગાંધીનગર : પાટનગર ગાંધીનગર શહેર બાદ હવે ધોળાકુવા ગામમાં પણ પાણીની લાઈનનું નવું નેટવર્ક ઊભું કરવામાં આવશે. જે માટે ધારાસભ્યની રજૂઆત બાદ સરકાર દ્વારા ૫.૪૦ કરોડ રૃપિયાના ખર્ચને મંજૂરી આપીને જોબ વર્ક પણ ફાળવી દેવામાં આવ્યા છે. જેમાં દસ લાખ લિટરની ક્ષમતા ધરાવતી અંડર ગ્રાઉન્ડ ટાંકી પણ બનાવવામાં આવશે.
પાટનગર ગાંધીનગર શહેરની રચના કરવામાં આવી ત્યારે આસપાસનો
વિસ્તાર પણ તેમાં સમાવી લેવામાં આવ્યો હતો ત્યારે શહેરમાં સમાવિષ્ટ એવા ધોળાકુવા
ગામમાં પણ ગાંધીનગર શહેરની જેમ ૪૦-૫૦ વર્ષ જૂની લાઈનો હતી. શહેરમાં સ્માર્ટ સિટી
પ્રોજેક્ટ હેઠળ નવી લાઈનો નાખવામાં આવી છે ત્યારે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય
રીટાબેન પટેલ દ્વારા ધોળાકુવા ગામમાં પણ દરેક ઘર સુધી શુદ્ધ પાણી પહોંચે તે માટે
પાણીની લાઈનમાં નવું નેટવર્ક ઊભું કરવા માટે ૫.૪૦ કરોડના ખર્ચના પ્રોજેક્ટને
મંજૂરી આપવા રજૂઆત કરી હતી અને તેના પગલે સરકાર દ્વારા તેને મંજૂરી આપી દેવામાં
આવી છે. એટલું જ નહીં આ કામ માટે જોબવર્ક પણ ફાળવી દેવામાં આવ્યા છે. જે અંતર્ગત
જૂની તમામ પાઇપલાઇનો કાઢીને તેના સ્થાને નવી પાઇપલાઇનો નાંખવામાં આવશે. જૂની ૮૦
મીમી ડાયામીટરની લાઇનોના બદલે નવી ૧૫૦ મીમી,
૨૫૦ મીમી અને ૩૦૦ મીમી ડાયામીટરની પાઇપલાઇન નાંખવામાં આવશે. આ સાથે નવા ૨
બોરવેલ પણ બનાવવામાં આવશે. હાલની ૩થી ૪ લાખ લીટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકીના
બદલે નવી ૧૦ લાખ લિટરની ક્ષમતાની અન્ડરગ્રાઉન્ડ પાણીની ટાંકી બનાવવામાં આવશે.
પાણીના વાલ્વમાં નવી સ્કાડા સિસ્ટમ અમલી બનાવવામાં આવશે. જે મુજબ હાલ મેન્યુઅલી
વાલ્વ ખોલવો અને બંધ કરવો પડે છે. નવી સિસ્ટમ માનવ રહિત રહેશે. જેમાં સેટ કરેલા
ટાઇમ પ્રમાણે પાણી ચાલું થઇ જશે અને તેની જાતે જ નિયત સમય બાદ પાણી બંધ થઇ જશે.
આગામી ચાર-પાંચ મહિનામાં આ પ્રોજેક્ટને પૂરો કરી દેવાનું પણ આયોજન હાથ ધરવામાં
આવ્યું છે.