અગ્નિકાંડમાં દાઝીને કડક કરાયેલા નિયમો હળવા કરવાની હીલચાલ
ગુજરાતની સૌથી દર્દનાક દુર્ઘટના વિસારે પાડી દેવાય તેવી વકી : 500 ચો.મી. ક્ષેત્રફળ કે 29.52 ફૂટ સુધી ઉંચાઈ ધરાવતી શૈક્ષણિક સંસ્થા બાદ એમ્યુઝમેન્ટ પાર્ક,ગેમઝોન,હોટલ-રેસ્ટોરન્ટ, કોમ્પલેક્સને રાહત અપાવાની શક્યતા : શાસકોનો અગ્નિકાંડની ચર્ચા કે ઉલ્લેખ ન થાય તેવો પ્રયાસ, મેળાની મોજમાં બધુ ભુલાશે
રાજકોટ, : રાજકોટના નાનામવા રોડ પર સયાજી હોટલ પાછળ ટીઆરપી ગેમઝોનમાં સત્તાધીશો અને સંચાલકોની સંયુક્ત બેદરકારીથી ગુજરાતનો સૌથી દર્દનાક બનાવ બન્યો જેમાં 27 નાગરિકો જીવતા ભડથું થઈ ગયા હતા. આ સાપરાધ મનુષ્યવધના ગુનાના પગલે રાજકોટ સહિત રાજ્યભરમાં કડક ઝૂંબેશ હાથ ધરીને મિલ્કતોનું સીલીંગ હાથ ધરાયું હતું જેમાં હવે છૂટછાટોની તજવીજ હાથ ધરાઈ રહી છે. અગાઉ સ્કૂલ-હોસ્પિટલોને શિક્ષણ અને સારવારની વાત આગળ ધરીને છૂટછાટો અપાયા બાદ ત્રણ સપ્તાહ પછી મેળાની રજાની મૌસમ શરૂ થઈ રહી છે ત્યારે એમ્યુઝમેન્ટ પાર્ક,ગેમઝોન,ફનઝોન, મોલ,બાકી રહેલી હોટલ-રેસ્ટોરન્ટ, કોમ્પલેક્સો વગેરે ખોલવા નિયમો હળવા કરવાની તજવીજ શરૂ થઈ રહ્યાના એંધાણ મળ્યા છે.
રાજકોટ મહાપાલિકા સૂત્રો અનુસાર સરકારની ગાઈડલાઈન મૂજબ 9 મીટર એટલે કે 29.52 ફૂટ સુધીની ઉંચાઈ અથવા તો 500 ચો.મી.થી ઓછું ક્ષેત્રફળ ધરાવતા પ્લોટ ઉપર ઉભેલી શૈક્ષણિક સંસ્થાઓને ફાયર એન.ઓ.સી.ની પ્રક્રિયામાંથી મુક્તિ અપાઈ છંે. ઉલ્લેખનીય છે કે 9 મીટર એટલે બે માળની મિલ્કત અને તેની ઉપર સીડી રૂમ આવી શકે એવડું બાંધકામ હોય છે.આવી બિલ્ડીંગને બી.યુ.પી.આપતી વખતે ફાયર એન.ઓ.સી. માંગવાનું બંધ કરાયું છે. આ ઉપરાંત સીલ કરાયેલા ગેમઝોન,એમ્યુઝમેન્ટ પાર્ક વગેરે ખોલવા સરકારની ગાઈડલાઈન આવશે તે મૂજબ મનપા દ્વારા કાર્યવાહી કરાશે પરંતુ, સ્થાનિક ધોરણે કોઈ જ છૂટછાટ અપાશે નહીં. બીજી રીતે કહીએ તો ફાયર એન.ઓ.સી. અને બી.યુ.સર્ટિ.માં છૂટછાટ આપવાના કાર્યના પરિણામની જવાબદારી રાજ્ય સરકારની રહેશે.
બીજી તરફ, આશ્ચર્યની વાત એ છેકે ખુદ રાજકોટ મહાપાલિકાએ સ્માર્ટ સિટી મિશન અન્વયે બનાવેલ અટલ સરોવર હાલ બંધ છે પરંતુ, રૂડા વિસ્તારમાં અનેક એરકન્ડીશન્ડ હોટલો,મોટેલો,રિસોર્ટ વગેરે ધમધમતા થઈ ગયા છે.
રાજકોટમાં સીલ કરાયેલા ગેમઝોન, મનોરંજન પાર્ક, મોલ, હોટલ સહિતની મિલ્કતોના સીલ મેળાની મૌસમ પહેલા ખુલવાનું શરૂ થઈ જાય તેવા નિર્દેશો મળ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાપાલિકા હોય કે જિલ્લા પંચાયત કે શહેર ભાજપ, શાસકોએ અગ્નિકાંડનો ઉલ્લેખ કરવાનું કે તેના વિષે ચર્ચા કરવા કે કરવા દેવાનું વારંવાર ટાળ્યુ છે. અલબત, હજુ અગ્નિકાંડના પીડીત પરિવારો તો ન્યાય માટે અને જનતા જનાર્દન ન્યાયિક તપાસ,પગલાની રાહ જ જોઈ રહ્યા છે.