રોડ ક્રોસ કરી રહેલા ભરાણા ગામના માતા-પુત્રીને કારે હડફેટે લેતા મોત

Updated: Mar 13th, 2024


Google NewsGoogle News
રોડ ક્રોસ કરી રહેલા ભરાણા ગામના માતા-પુત્રીને કારે હડફેટે લેતા મોત 1 - image


ખંભાળિયા-જામનગર માર્ગ પર કજૂરડા ગામના પાટીયા પાસે કચ્છના ઘેલડા ગામે લગ્ન પ્રસંગ પૂર્ણ કરી પરત આવતી વખતે વાહનમાંથી ઉતરી રોડ ક્રોસ કરતી વખતે કરૂણાંતિકા  સર્જાઈ 

ખંભાળિયા, દ્વારકા, : ખંભાળિયા નજીક કજુરડા ગામના પાટીયા પાસેથી આજે વહેલી સવારે વાહનમાંથી ઉતરી રોડ ક્રોસ કરીને ઘર તરફ જઈ રહેલા ભરાણા ગામના  માતા-પુત્રીને કારે હડફેટે લેતા માતા તથા પુત્રીના ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નિપજયા હતા.કચ્છના ઘેલડા ગામે લગ્ન પ્રસંગ પતાવીને માતા -પુત્રી પરત  આવતા હતા ત્યારે કરૂણાંતિકા સર્જાઈ હતી. પોલીસે આરોપી કાર ચાલક જામનગરના યુવાન ની અટકાયટ કરાઇ છે.

આ કરૂણ બનાવવાની વિગત એવી છે કે ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા સિધ્ધરાજસિંહ ધીરૂભા જાડેજા (ઉ.વ. 32) નામના યુવાનના પત્ની હિનાબા જાડેજા (ઉ.વ. 32) તેમની 9 વર્ષની પુત્રી કૃપાબાને લઈને કચ્છના ઘેલડા ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા. લગ્ન વિધિ પૂર્ણ થયા બાદ તેઓ ગઈકાલે ત્યાંથી નીકળ્યા હતા અને આજરોજ સવારે અહીં પરત ફર્યા હતા.

 આજે સવારે આશરે ૫ વાગ્યે તેઓ ખંભાળિયા - જામનગર હાઈવે પર આવેલા કજૂરડા ગામના પાટીયા પાસે વાહનમાંથી ઉતરી અને ભરાણા ખાતે પોતાના ઘરે જવા માટે નીકળ્યા હતા, ત્યારે અહીં રોડ ક્રોસ કરતી વખતે જામનગર તરફથી આવી રહેલી કારના ચાલકે પોતાની કાર પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવતા આ માતા પુત્રીને હડફેટે લીધા હતા.  આ જીવલેણ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં હિનાબા તથા તેમના પુત્રી કૃપાબાને ઈમરજન્સી ૧૦૮ મારફતે અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ આ માતા-પુત્રીને મૃત જાહેર કર્યા હતા.

આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે સિધ્ધરાજસિંહ ધીરૂભા જાડેજાની ફરિયાદ પરથી કારના ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ખંભાળિયાના ભરાણા ગામના  પરિવારના માતા-પુત્રી લગ્ન પ્રસંગમાંથી પરત આવતા બનેલા આ કરૂણ બનાવે રાજપૂત સમાજ સાથે સમગ્ર ખંભાળિયા પંથકમાં ભારે શોક સાથે અરેરાટી પ્રસરાવી છે.આ પ્રકરણમાં તપાસનીશ પોલીસ અધિકારી આઇ.આઇ.નોયડા દ્વારા આરોપી કાર ચાલક કુશલ અશ્વીનભાઇ બાબરીયા(ઉ.વ. 20)(રહે.જામનગર)ની અટકાયત કરાઇ છે.


Google NewsGoogle News