૧૬ વર્ષના કિશોરે મોપેડ પર જતા આધેડને ટક્કર મારતા મોત
કિશોરના પિતાએ સારવારનો ખર્ચ આપવાની તૈયારી દર્શાવી
વડોદરા,બાઇક લઇને નીકળેલા ૧૬ વર્ષના કિશોરે કિશનવાડી વુડાના મકાન પાસે એક મોપેડ ચાલકને ટક્કર મારી ગંભીર ઇજા પહોંચાડતા તેઓનું મોત થયું હતું. વારસિયા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
કિશનવાડી ખોડિયાર ચોકમાં રહેતો કેયૂર રામુભાઇ તડવી એ.ટી.એમ.માં કેશ લોડિંગનું કામ કરે છે. તેના પિતા રામુભાઇ તડવી ગત તા. ૭ મી એ તેમની દીકરીને મોપેડ પર બેસાડીને ઘરેથી આજવા રોડ પર ઘરકામ માટે મૂકવા જતા હતા. તે દરમિયાન કિશનવાડી વુડાના મકાન પાસે ૧૬ વર્ષના બાઇક ચાલકે મોપેડને ટક્કર મારતા તેઓ રોડ પર ફંગોળાયા હતા. રામુભાઇને માથા, છાતી તથા હાથ પર ગંભીર ઇજા થઇ હતી. તેઓ બોલી પણ શકતા નહતા. એમ્બ્યુલન્સમાં તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.તેઓની સારવાર ચાલુ હતી. તે દરમિયાન અકસ્માત કરનાર બાઇક ચાલકના પિતા હોસ્પિટલમાં આવ્યા હતા.તેઓએ રામુભાઇની સારવાર ખાનગી હોસ્પિટલમાં કરાવવા માટે તૈયારી બતાવતા પરિવારજનો તેઓને ચીકૂવાડી નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. ત્યાંથી તેઓને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, તેઓનું મોત થયું હતું. વારસિયા પોલીસે આ અંગે ગુનો દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, બાઇક ચલાવનારની ઉંમર માત્ર ૧૬ વર્ષની હતી. તે મૂળ બિહારનો વતની છે અને હાલમાં આજવા રોડ વિસ્તારમાં રહે છે.