એરપોર્ટને મળતી ધમકીઓ અને PMના આગમનને પગલે એરપોર્ટ ખાતે સુરક્ષા એજન્સીઓની મીટિંગ, સુરક્ષા વધારી
ભારત અને સ્પેનના વડાપ્રધાનના રૃટ પર 50 વાહનોનો કાફલો નિરીક્ષણ માટે નીકળતાં ટ્રાફિક જામ
વડોદરાઃ દેશના એરપોર્ટોને ધમકીઓ મળી રહી છે તેવા સમયે ભારત અને સ્પેનના વડાપ્રધાન વડોદરા આવી રહ્યા હોવાથી હરણી એરપોર્ટની સુરક્ષા અંગે આજે રાજ્ય અને દેશની મહત્વની સુરક્ષા એજન્સીઓના અધિકારીઓની મીટિંગ મળી હતી.
છેલ્લા કેટલાક સમયથી એરપોર્ટોને બોમ્બની ધમકી મળી રહી હોવાથી દેશની સુરક્ષા એજન્સીઓ તેની તપાસમાં લાગી છે.ધમકીઓના સિલસિલામાં વડોદરાનું હરણી એરપોર્ટ પણ બાકાત રહ્યું નથી.
આગામી તા.૨૮મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝ વડોદરામાં ટાટા એરક્રાફ્ટ એસેમ્બલી પ્લાન્ટનું લોકાર્પણ કરવા માટે આવી રહ્યા હોવાથી આજે હરણીના જૂના એરપોર્ટ ખાતે પોલીસ કમિશનર નરસિમ્હા કોમર,ડીસીપી પન્ના મોમાયા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ,સીઆઇએસએફ, એરફોર્સ,સ્ટેટ અને સેન્ટ્રલ આઇબીના અધિકારીઓની મહત્વની મીટિંગ મળી હતી.
આ મીટિંગમાં એરપોર્ટ વિસ્તારમાં સુરક્ષા કવચ વધુ મજબૂત બનાવવા માટે તેમજ મુસાફરોની સુરક્ષા વધારવા જેવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
હરણીથી લક્ષ્મીવિલાસ પેલેસ સુધીના વડાપ્રધાનના રૃટના નિરીક્ષણ માટે વાહનોનો કાફલો નીકળતાં ટ્રાફિક જામ
હરણીથી લક્ષ્મીવિલાસ પેલેસ સુધી વડાપ્રધાનના રૃટનું આજે નિરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે વિવિધ સ્થળોએ ટ્રાફિક જામ થયો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન હરણી ખાતે ટાટા એરક્રાફ્ટના કાર્યક્રમમાં જનાર છે.તેઓ લક્ષ્મીવિલાસ પેલેસમાં પણ જનાર છે.જેથી તેમના રોડ શો અને રૃટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આજે મોડી સાંજે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ ભાજપના આગેવાનોનો ૫૦ જેટલા વાહનોનો કાફલો નિરીક્ષણ માટે નીકળ્યો ત્યારે અનેક સ્થળોએ પોલીસે ટ્રાફિક અટકાવી દેતાં વાહનચાલકો અટવાયા હતા.