જામનગર નજીક દરેડમાં રહેતા મારવાડી યુવાનનો પત્નીના વિયોગમાં ગળાફાંસા દ્વારા આપઘાત
જામનગર નજીક દરેડ વિસ્તારમાં રહેતા મારવાડી યુવાને પોતાની પત્ની રીસાણી ચાલી ગઈ હોવાથી તેણીના વિયોગમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક દરેડ વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા દેવાભાઈ મોતીભાઈ નામના ૩૦ વર્ષના મારવાડી યુવાને ગઈકાલે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયો હતો, ત્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતક ના નાના ભાઈ વસંતભાઈ મોતીભાઈ મારવાડીએ પોલીસને જાણ કરતાં પંચકોશી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે બનાવના સ્થળે તેમજ જીજી હોસ્પિટલમાં દોડી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાનની પત્ની રિસામણે ચાલી ગઈ હોવાથી તેનું મનમાં લાગી આવતાં આ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.