જામનગરના ગાંધીનગર રેલ્વે સ્ટેશન પાસેથી એક શખ્સ ચાઇના બનાવટની સિગરેટોના જથ્થા સાથે પકડાયો
Jamnagar : જામનગરની એસ.ઓ.જી. શાખાની ટુકડીએ ગાંધીનગર રેલ્વે સ્ટેશન પાસે વોચ ગોઠવી ચાઇનાની બનાવટના સિગરેટના 20 પેકેટો સાથે એક શખ્સની અટકાયત કરી છે, અને તેની સામે તમાકુ ઉત્પાદન અને વેચાણને લગતી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
આ દરોડાની વિગત એવી છે કે જામનગરમાં ગાંધીનગર રેલ્વે સ્ટેશન પાસેથી પસાર થઇ રહેલો એક શખ્સ કે જેની પાસે ચાઇના બનાવટની સિગરેટનો જથ્થો ગેરકાયદે રીતે આયાત કરાયો છે, અને તેનું ખાનગીમાં વેચાણ કરી રહ્યો છે.
જે બાતમીના આધારે એસ.ઓ.જીની ટુકડીએ વોચ ગોઠવી હતી, અને રોનક ભગવાનજીભાઈ ડોડીયા નામના એક શખ્સને આંતરી લીધો હતો. જેની તલાસી લેતાં તેના કબજામાંથી ચાઇના બનાવટના સિગારેટના 20 પેકેટો મળી આવ્યા હતા.
જેથી પોલીસે તેની પાસેથી રૂપિયા 2,000 ની કિંમતનો વિદેશી સિગરેટનો જથ્થો કબજે કર્યો છે, અને તેની સામે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં સિગારેટ અને તમાકુ ઉત્પાદન અને વેચાણ તેમજ પૂરો પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2003 ની કલમ 7, 8, 9, અને 20 મુજબ ગુનો નોંધ્યો છે.
સિંગારેટના પેકેટ પર અંગ્રેજી ભાષામાં ચેતવણી વગેરે લખવાની હોય છે, પરંતુ તેવું કોઈ લખાણ ન હતું, અને માત્ર ચાઈનીઝ ભાષા લખેલી હતી. પોલીસ દ્વારા આ સિગરેટના પેકેટો કયાંથી મેળવ્યા? તે અંગે ઊંડાણપૂર્વકની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આરોપી રોનક ભગવાનજી ડોડીયા કે જે મૂળ ઓખા નો રહેવાસી છે, અને હાલ જામનગરમાં રણજીત સાગર રોડ પર રહેતો હોવાનું અને શિપિંગ કંપનીઓમાં સર્વેયરનું કામ કરતો હોવાનું જણાવ્યું છે. જે તાજેતરમાં એક વિદેશી શિપમાં જઈને સર્વેયરના કામ માટે ગયો હતો, ત્યારે ત્યાંથી આ સિગરેટ લાવ્યો હોવાનું જણાવ્યું છે. જે દિશામાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.