જામનગરમાં દિગ્જામ સર્કલ પાસેથી એક શખ્સ દેશી તમંચા સાથે SOGની ટીમના હાથે ઝડપાયો
image : Freepik
Jamnagar SOG Police : જામનગરની એસ.ઓ.જી. શાખાની ટુકડીએ ગઈકાલે દિગજામ સર્કલ પાસે વોચ ગોઠવી એક શખ્સને દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી લીધો છે, અને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરની એસ.ઓ.જી. શાખાની ટુકડીને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગરના બેડેશ્વર પાણાખાણ વિસ્તારમાં રહેતો ગુલામ હાજી મોહમ્મદ શેખ નામના શખ્સના કબજામાં દેશી બનાવટનું હથિયાર લઈને ફરી રહ્યા છે, તેવી ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે રાતે દિગજામ સર્કલ પાસે વોચ ગોઠવી હતી. જે વોચ દરમિયાન ગુલામ હાજી શેખ પસાર થતાં તેને આંતરી લઈ તેના કબજામાંથી રૂપિયા 3,000 ની કિંમતનો તમંચો કબજે કરી લીધો છે અને તેની સામે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં હથિયાર ધારા ભંગ અંગેનો ગુનો દાખલ કરાવ્યો છે.
પોલીસ દ્વારા તેની ઘનીષ્ઠ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, જેમાં તેણે આ હથિયાર પોતાના પિતા પાસેથી મેળવ્યું હોવાનું કબુલ્યું છે. હાલ તેના પિતાનું અવસાન થઈ ગયું હોવાથી આ મામલે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.