જામનગર નજીક દરેડમાંથી દેશી હાથ બનાવટના તમંચા સાથે મૂળ પોરબંદરના એક શખ્સની પોલીસ દ્વારા અટકાયત
Jamangar Crime : જામનગર નજીક દરેડ વિસ્તારમાંથી ગઈકાલે પંચકોશી બી.ડિવિઝનના પોલીસ સ્ટાફે મૂળ પોરબંદરના વતની એક શખ્સને દેશી હાથ બનાવટના તમંચા સાથે પકડી પાડ્યો છે, અને તેની સામે હથિયાર ધારા ભંગ બદલ ગુનો નોંધ્યો છે.
મૂળ પોરબંદરનો વતની અને હાલ જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રહેતો દિલાવર કાસમભાઇ જોખિયા નામનો શખ્સ દરેડ મસીતીયા રોડ પરથી ગેરકાયદે હથીયાર સાથે પસાર થઈ રહ્યો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે પંચકોશી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે વોચ ગોઠવી હતી.
જે દરમિયાન દિલાવર જોખીયા ત્યાંથી પસાર થતાં પોલીસે તેને આંતરી લીધો હતો, અને તેની તલાસી લેતાં તેના કબજા માંથી દેશી હાથ બનાવટનો લોખંડનો સિંગલ બેરલ વાળો તમંચો (કટ્ટો) મળી આવ્યો હતો. આથી પોલીસે દેશી તમંચો કબજે કરી લઇ તેની સામે પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં હથિયાર ધારા ભંગ બદલ ગુન્હો નોંધ્યો છે, અને તેની અટકાયત કરી લીધી છે.