ચુડાના ચચાણામાં ઘરફોડ ચોરી કરનારો ધોળકાનો શખ્સ ઝડપાયો
- રીઢા ઘરફોડિયા સામે 20 થી વધુ ચોરીના ગુના
ચુડા : ચુડા તાલુકાના ચચાણા ગામે થયેલ ધરફોડ ચોરીનો ભેદ ઉકેલી એક શખ્સને ચુડા પોલીસે ઝડપી પાડયો હતો. ઝડપાયેલ શખ્સ પાસેથી પોલીસે ૧.૬૫૦ કિલો ચાંદીના દાગીના તથા રોકડ રકમ તથા એક બાઈક મળીને કુલ રૂપિયા ૧.૭૬ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ચાંદીના દાગીના રોકડ તથા બાઈક મળીને કુલ રૂપિયા ૧.૭૬ લાખનો મુદ્દામાલ રિકવર કરાયો
ચચાણા ગામે તા.૨૭ ઓક્ટોબરના રોજ રહેણાંક મકાનમાં અજાણ્યા શખ્સોએ રૂમનો આંકડીયો ખોલીને રૂ ૩,૩૫,૬૦૦ની કિંમતના સોના-ચાંદીના દાગીના, રોકડ રૂ. ૯૦,૦૦૦ તથા પાંચ હજારની કિંમતનો મોબાઈલ મળીને કુલ રૂપિયા ૪,૩૦,૬૦૦નો મુદામાલની ઉઠાંતરી થયા અંગેની ચુડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ચુડા પોલીસે તપાસ હાથ ધરતા કુખ્યાત અને રીઢા ઘરફોડ ચોરી પુનીયા ઠાકોરની સંડોવણી ખુલી હતી. પોલીસે બાતમીના આધારે પુનમ ઉર્ફે પુનીયો પગી અચારડા ગામના પાટિયા પાસેથી ઝડપી પાડયો હતો. પોલીસે આરોપી પાસેથી ચોરી કરેલા ૧.૬૫૦ કિલો ચાંદીના દાગીના (કિં.રૂ. ૮૯,૬૦૦) તથા રોકડ રકમ રૂપિયા ૬૦,૦૦૦ તથા બાઈક (કિં.રૂ. ૩૦,૦૦૦) મળીને કુલ રૂપિયા ૧,૭૬,૯૦૦નો મુદામાલ કબજે કર્યોે હતો. તેમજ બાકીનો મુદામાલ તેણે તેની પત્ની તથા ભાઈ ભાભી ને આપ્યો હતો. જેઓએ મળીને અમદાવાદ માણેકચોક ખાતે વેચાણ કર્યો હોવાની કબૂલાત કરી હતી. જ્યારે પોલીસે પુનમ ઉર્ફે પુનીયા વિરૂદ્ધ ચુડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે પુનમભાઈ ઉર્ફે પુનિયો રમેશભાઈ ઠાકોર (રહે. ભરવાડ વાસ, ધોળકા) વિરૂદ્ધ વેજલપુર, ધોળકા, ધાગધ્રા, બાવલું (મહેસાણા), બેચરાજી, ખેડા, ધંધુકા, બરવાળા, કોંઠ, બોટાદ સહિતના વીસથી વધુ પોલીસ સ્ટેશનમાં તેના વિરૂદ્ધ ઘરફોડ ચોરીના ગુનાઓ નોંધાયા છે.