જાનીવડલા ગામ પાસેથી ચોટીલાના શખ્સનું અપહરણ કરી માર માર્યો
- યુવકને મારી નાખવાની ધમકી આપતા એક સામે ફરિયાદ
- નાની મોલડીના શખ્સે રૂા. 50000 ની માંગ કરી મોબાઈલ અને ટુ વ્હીલરની ચાવી પડાવી નાસી છુટયો
સુરેન્દ્રનગર : ચોટીલા તાલુકાના જાનીવડલા ગામ પાસે એક શખ્સને મારમારી કારમાં લઈ જઈ અપહરણ કરી રોકડ રકમની માંગ કરી હતી તેમજ છરીના ઘા મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી મોબાઈલ ફોન અને ટુ વ્હીલરની ચાવીની લુંટ અંગે ઓગ બનનાર શખ્સે નાની મોલડી ગામના એક શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
ચોટીલા શહેરી વિસ્તારમાં રહેતા અને કનસ્ટ્રકશનનો ધંધો કરતા ફરિયાદી જયેશભાઈ નાજાભાઈ વાઘેલાના મકાનનું કામ મફતીયાપરા-૨મા ચાલતું હતું. તેમના મકાનની સામે એક મહિલાના પણ મકાનનું કામ ચાલતું હતું. આથી બંને વચ્ચે બાંધકામ બાબતે વાતચીત થઈ હતી. ત્યારબાદ વોટ્સઅપમાં મેસેજથી વાતચીત કરતા હતા. જેમાં મહિલાએ ફરિયાદીને મળવાનું જણાવી સાંજના હિરાસર એરપોર્ટ પાસે બોલાવ્યો હતો. આથી જયેશભાઇ કાકાના દિકરાનું ટુ વ્હીલર લઈ મળવા ગયા હતા અને ત્યાંથી તેઓને બેસાડી પરત આવી રહ્યાં હતા.
જયેશભાઇ મહિલાને નાની મોલડી ગામ પાસે રોડ પર ઉતારી પરત ઘરે જઈ રહ્યાં હતાં. ત્યારે જાનીવડલા ગામના બ્રિજ પર પાછળથી આવતી એક કારના ચાલકે ટુ વ્હીલર ઉભું રાખવાનું જણાવી જયેશભાઇને બળજબરીપૂર્વક ગાડીમાં બેસવાનું કહ્યું હતું. જયેશભાઇએ ના પાડતા કારની ડેકીમાંથી લાકડાનો ધોકા કાઢી બે ત્રણ ધોકા ઢીંચણ પર મારી કારમાં બેસાડયા હતા. ત્યાર બાદ કારમાં પણ જયેશભાઇને ચાર-પાંચ ઝાપટો ઝીંકી હતી.
હુમલાખોરે પોતાનું નામ જયરાજભાઈ દડુભાઈ હોવાનું જણાવ્યું હતું તેમજ મહિલા સાથે વાત અને મેસેજ કરવાનું મનદુઃખ રાખી ફરિયાદી પાસે રૂા.૫૦,૦૦૦ની માંગ કરી હતી અને નહીં આપે તો છરીના ઘા ઝીંકી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ ફરિયાદીનો રૂા.૩૦,૦૦૦ની કિંમતનો મોબાઈલ અને ટુ વ્હીલરની ચાવી લઈ ફરિયાદીને જલારામ મંદિર પાસે ઉતારી નાસી છુટયો હતો. જે અંગે જયેશભાઇ ચોટીલા પોલીસ મથકે જયરાજભાઈ દડુભાઈ માંજરીયા (રહે.નાની મોલડી) સામે અપહરણ તેમજ મારી નાંખવાની ધમકી અને લૂંટ અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.