ધ્રાંગધ્રાના કુંભારપરા વિસ્તારમાં શખ્સે છરી બતાવી યુવાનને માર મારતા ગુનો
- અગાઉ શેરીમાં બમ્પ બાબતે થયેલી બોલાચાલીનું મનદુઃખ રાખીને
- ફરિયાદ નોંધાતા સિટી પોલીસ દ્વારા શખ્સ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી
ધ્રાંગધ્રા : સુરેન્દ્રનગર શેરીમાં બમ્પ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનું મનદુઃખ રાખી એક શખ્સે છરીના ઘા ઝીંકી જાનથી મારી નાંખવાની ધમકી અંગે ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે ભોગ બનનારે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
ધ્રાંગધ્રા શહેરના કુંભારપરા વિસ્તારમાં રહેતા ફરિયાદી લાભુબેન નારણભાઈ હડીયલ અને તેમનો દિકરો યોગેશભાઈ સહિતના પરિવારજનો ઘરે હાજર હતા. તે દરમિયાન ધ્રાંગધ્રાના કુંભારપરા સાંકળી શેરીમાં રહેતા રવિભાઈ ચાવડાએ ફરિયાદીના ઘરે આવી હાથમાં છરી સાથે અગાઉ શેરીમાં બમ્પ બાબતે બોલાચાલી થઈ હતી. જે બાબતનું મનદુઃખ રાખી ફરિયાદીના દિકરા યોગેશભાઈ પર ઉશ્કેરાઈ જઈ બે ઝાપટ ઝીંકી હતી અને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ કરતા ફરિયાદી અને તેમની દિકરીએ વચ્ચે પડી રવિભાઈનો હાથ પકડી લીધો હતો. જે મામલે ભોગ બનનાર ફરિયાદીએ સીટી પોલીસ મથકે રવિભાઈ હરખાભાઈ ચાવડા રહે.કુંભારપરા સાંકળી શેરીવાળા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.