અગાસી પર પરિવાર સાથે સૂતેલી બાળકીને ફાડી ખાવા સિંહણ ત્રાટકી

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
અગાસી પર પરિવાર સાથે સૂતેલી બાળકીને ફાડી ખાવા સિંહણ ત્રાટકી 1 - image


વિસાવદરની સીમમાં સિંહણ દ્વારા માનવના શિકારના પ્રયાસથી ફફડાટ : બાળકીએ જીવ બચાવવા પિતાના પગ પકડી રાખ્યા, પિતાએ હિંમતભેર બેટરી મારતાં સિંહણ ધૂબાકો મારીને ભાગી ગઈ 

જૂનાગઢ, : વિસાવદરની સીમમાં વહેલી સવારના મકાનના ધાબા પર શ્રમિક પરિવાર ભર નિંદ્રામાં સૂતો હતો તેવામાં એક સિંહણે મકાનના ધાબા પર ચડી બાળકીને પકડી લીધી હતી. બાળકીએ બૂમાબૂમ કરતા તેનો પરિવાર જાગી ગયો, બાદમાં સિંહણ બાળકીને લઈ નાસી જવાની પેરવી કરતી હતી ત્યારે બાળકીએ તેના પિતાનો પગ પકડી લેતા તે બચી ગઈ અને સિંહણ અગાસી પરથી ધૂબાકો મારી નાસી ગઈ હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકીને વિસાવદર, જૂનાગઢ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવાની તજવીજ ચાલી રહી છે.

વિસાવદરના સતાધાર રોડ પર ડમ્પીંગ સાઈટની પાછળના ભાગે વલ્લભભાઈ ડોબરીયાના ખેતરમાં વિસાવદર તાલુકાના જ માણંદીયા ગામનો પરિવાર ખેતમજુરી કરી ગુજરાન ચલાવે છે. હાલ ચોમાસાની સિઝન હોવાથી ખેતીવાડી વિસ્તારમાં લાઈટના ધાંધીયા હોય છે. જો નીચે ખુલ્લામાં સુવે તો વન્યપ્રાણીઓનો ભય રહે છે. જેના લીધે શ્રમિક પરિવાર મકાનની અગાસી પર સુતો હતો. વહેલી સવારના પ વાગ્યે સુરેશભાઈ વારૈય, તેમના પત્ની, તેમની બે દિકરી અને એક પુત્ર સુતા હતા તેવામાં મકાનની સીડી ચડી સિંહણ અગાસી પર ચડી આવી હતી. સુરેશભાઈની સૌથી મોટી ૮ વર્ષની પુત્રી પાયલને સિંહણે માથાના ભાગેથી પકડી ઢસડતા પાયલે બુમાબુમ કરી હતી. જેથી તેના પિતા સહિતનો પરિવાર જાગી ગયો હતો. પિતા સુરેશભાઈએ બાજુમાં રહેલી લાઈટ કરી જોયું તો સિંહણે તેમની પુત્રીનું માથું પકડી લીધેલું હતું. તેવામાં પાયલ બચવા માટે મરણ ચિસો નાખતા-નાખતા તેના પિતાના પગ પકડી લીધા હતા, જેથી સુરેશભાઈએ સિંહણને તેમના હાથમાં રહેલી બેટરી મોં પર મારી છતાં પણ સિંહણ પાયલને અગાસીની પારાપેટ નજીકથી લઈને નાસી જવાનો પ્રયત્ન કરતી હતી.

આખો પરિવાર બુમાબુમ કરતા અને પાયલે તેના પિતાના પગ ન છોડતા અંતે સિંહણે પાયલને મુકી અગાસી પરથી નીચે ધુબાકો માર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત પાયલના પિતા તુરંત તેમના સબંધીઓને જાણ કરી જેથી તેમના સબંધીઓ તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા ત્યારે પણ સિંહણ રસ્તા પર બેઠી હતી. બાદમાં 108 મારફત વિસાવદર અને ત્યાંથી વધુ સારવાર માટે હાલ જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. સિંહણે પાયલને માથાના ભાગે દાંત ભરાવી દીધા હોવાથી અને આંખના ભાગે ગંભીર ઈજા થઈ છે. આ અંગેની વન વિભાગને જાણ થતા વન વિભાગના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈ તપાસ કરી ત્યારે સિંહણ નજીકમાં જ હતી. બાદમાં સાસણ વન વિભાગ રેસ્ક્યુ ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી સમગ્ર બનાવની તપાસ હાથ ધરી છે. આ બનાવથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે. સિંહો ક્યારેય આવું કરતા નથી પરંતુ શા માટે સિંહણે આ બાળકીને શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો તે ગંભીર પ્રશ્ન છે.


Google NewsGoogle News