લ્યો બોલો! વેસુ પોલીસ મથકની નજીકથી કોઈ પાલિકાની લાઈટના કેબલ ચોરી ગયું, લોકો અંધારામાં વોકીંગ કરવા મજબૂર
Surat : સુરત પાલિકા એક તરફ દિવાળી માટે શહેરમાં રંગરોગાન અને લાઈટીંગ માટે કવાયત કરી રહી છે ત્યારે બીજી તરફ સુરત પાલિકાના અઠવા ઝોનમાં વેસુ પોલીસ મથકની નજીકથી કોઈ પાલિકાની લાઈટના કેબલ ચોરી ગયું હોવાની વાત બહાર આવી છે. વેસુ પોલીસ સ્ટેશન સામે આવેલ બનિયાન ગ્રીન વેની લાઈટ પંદર દિવસથી બંધ છે. તેથી અંધારામાં લોકો વોકીંગ કરતા હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ બને તેવી ભીતિ છે.
સુરત પાલિકા લોકોના આરોગ્યની જાળવણી થાય અને પર્યાવરણની જાળવણી માટે તે માટે શહેરમાં અનેક જગ્યાએ વોક વે અને ગાર્ડન બનાવ્યા છે. જોકે, પાલિકા આવા પ્રકારના પ્રકલ્પ બનાવ્યા પછી અનેક જગ્યાએ તેની માવજત કરતી ન હોવાની ફરિયાદ થઈ રહી છે. હાલમાં આવા પ્રકારની ફરિયાદ પાલિકાના અઠવા ઝોનમાંથી બહાર આવી છે. પાલિકાના અઠવા ઝોનમાં વેસુ પોલીસ સ્ટેશન સામે આવેલ બનિયાન ગ્રીન વે બનાવવામાં આવ્યું છે. આ ગ્રીન વેનો ઉપયોગ મહત્તમ સીનિયર સિટીઝન કરી રહ્યાં છે. જોકે, છેલ્લા 15 દિવસથી આ ગ્રીન વે વોક વે પર રાત્રીના સમયે લાઈટ બંધ હાલતમાં છે.
આ લાઈટ બંધ હોવાથી અસામાજિક તત્વોને ફાવટ આવી જાય તેમ છે અને કોઈ અનિચ્છનીય બનાવ બને તેવી પણ ભીતિ છે. જેના કારણે કેટલાક સિનિયર સીટીઝન દ્વારા અઠવા ઝોનમાં ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદ અંગે પાલિકાના માજી વિપક્ષી નેતા બાબુ કાપડિયાએ જણાવ્યું છે કે આ ઘણી જ ગંભીર ફરિયાદ છે. રાત્રીના સમયે વોક વે પર લાઈટ બંધ હોવાથી સિનિયર સિટિઝન સાથે વોકીંગ કરતા સુરતીઓને મુશ્કેલી પડી રહી છે. પરંતુ તપાસ કરતા એવી વાત બહાર આવી છે કે આ લાઈટના કેબલ કોઈ ચોરી ગયું છે તેથી ફરિયાદનો નિકાલ થતો નથી. આ ઘટના બની છે તેની તદ્દન નજીક વેસુ પોલીસ સ્ટેશન આવ્યું છે જો પોલીસ સ્ટેશનની નજીકથી કેબલની ચોરી થાય છે તે ગંભીર બાબત છે તેથી આવા કેબલ ચોરને પકડવા સાથે આ લાઈટ તાત્કાલિક શરૂ થાય તેવી માંગણી પણ કરવામાં આવી છે.