વડોદરાના ચાંદોદ પાસે બ્રિજ પર ટ્રેનની અડફેટે આવેલો દીપડો 70 ફૂટ નીચે પટકાતાં મોતઃત્રીજો બનાવ
વડોદરાઃવડોદરા નજીક ડભોઇ તાલુકામાં ટ્રેન નીચે દીપડો આવી જતાં તેનું મોત નીપજ્યું હોવાનો વધુ એક બનાવ બનતાં જીવદયા પ્રેમીઓએ આઘાતની લાગણી અનુભવી છે.
ડભોઇ તાલુકાના ચાંદોદ પાસે ના ગામડી ગામ પાસે ટ્રેનની અડફેટમાં આવી જવાથી દીપડાના મોતનો એક વર્ષમાં ત્રીજો બનાવ બન્યો હતો.માર્ચ-૨૦૨૪માં ગામડી પાસે ટ્રેક પર ૧૨ વર્ષના એક દીપડાનું ટ્રેનની અડફેટે મોત નીપજ્યું હતું.
એક સપ્તાહ પહેલાં ચાંદોદ સ્ટેશન પાસે સાડા ત્રણ વર્ષની એક બાળ દીપડીનું આવી જ રીતે ટ્રેનની અડફેટમાં આવી જતાં મોત થયું હતું.જ્યારે,ગઇકાલે રાતે ગામડી નજીક વધુ એક બનાવ બન્યો હતો.
ગામડી ગામ પાસે ઓરસંગ નદીના બ્રિજ પર થી ગઇ મોડી રાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ ટ્રેન જઇ રહી હતી ત્યારે આશરે ૧૧ વર્ષની વયનો દીપડો અડફેટમાં આવી ગયા બાદ આશરે ૭૦ ફૂટ નીચે નદીના પટમાં પટકાયો હતો.સવારે તેનો મૃતદેહ મળી આવતાં રેલવે સત્તાધીશોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી.
ડભોઇના આરએફઓ કલ્યાણી ચૌધરીએ કહ્યું હતું કે,દીપડાનો નદીના પટમાંથી ટ્રેક્ટર દ્વારા દીપડાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઇ જવાયો હતો.દીપડાનું વજન ૧૨૦ કિલો જેટલું છે.નીચે બ્રિજનો પોલ વાગવાથી તેને ગંભીર ઇજા થઇ હોય તેમ જણાઇ રહ્યું છે.દીપડાનાઅંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
દીપડાના રક્ષણ માટે બ્રિજ પર ફેન્સિંગ બનાવવા ફોરેસ્ટ વિભાગની રેલવેને અપીલ
દીપડાના રક્ષણ માટે ફોરેસ્ટ વિભાગે રેલવેને તાકિદે બ્રિજ પર ફેન્સિંગ બનાવવા માટે પત્ર લખ્યો છે.
ડભોઇ નજીક ચાંદોદ અને ઓરસંગ બ્રિજ પાસે રેલવે ટ્રેક પરથી દીપડાનો રૃટ હોવાથી ત્યાં રાત્રિના સમયે શિકારની શોધમાં દીપડા વારંવાર જતા હોય છે.
ક્યારેક ટ્રેનની અડફેટને કારણે તો ક્યારેક ટ્રેનનો અવાજ સાંભળીને દીપડા નીચે નદીમાં પટકાતા હોવાથી તેમના મોત થાય છે.જેથી ફોરેસ્ટ વિભાગે રેલવેને તાકિદે બ્રિજની બંને બાજુ ફેન્સિંગ બનાવવા માંગણી કરતો પત્ર લખ્યો છે.ફેન્સિંગ બનવાથી દીપડાનો રૃટ બદલાતાં તેનો જીવ બચી જશે.
ટ્રેન એક્સિડન્ટ સિવાયવડોદરા જિલ્લામાં અગાઉ પણ ચાર દીપડાના મોત થયા હતા
સાવલીમાં સળગેલી હાલતમાં અને વ્યારામાં હાથ-પૂંછડી કપાયેલી સ્થિતિમાં મળ્યા હતા
વડોદરા જિલ્લામાં અગાઉ પણ ટ્રેનની ટક્કર સિવાય પણ બે વર્ષ દરમિયાન ચાર દીપડાના મોત નીપજ્યા હોવાના બનાવો બન્યા હતા.
વડોદરા જિલ્લામાં એક પણ તાલુકો દીપડાની હાજરીથી બાકાત રહ્યો નથી.જેને કારણે જુદાજુદા વિસ્તારોમાં દીપડાના મોતના બનાવો બનતા હોય છે.
કરજણના મેથી ગામે ખેતરની ફેન્સિંગમાં ફસાયેલા દીપડાનું મોત નીપજ્યું હતું.જ્યારે ડભોઇના નાગડોલ ગામે ખેતરમાંથી એક દીપડાનો મૃતદેહ મળ્યો હતો. વાઘોડિયાના વ્યારા ખાતે મળેલા દીપડાની પૂંછડી અને પગ કપાયેલા હતા તો સાવલીના ધનતેજ ખાતે ખેતરમાંથી સળગેલી હાલતમાં દીપડાનો મૃતદેહ મળ્યો હતો.