બે મહિલાને નોકરી રાખી બોગસ ફુડ સેફટી લાઈસન્સ કાઢી આપતો વકીલ ઝડપાયો

નકલીઓના સીલસીલામાં હવે નકલી મ્યુનિસીપલ કર્મચારી : દુકાનદાર પાસે દોઢ મહિના અગાઉ બે મહિલા મ્યુનિ.ના કર્મચારીઓ જેવા કપડાં પહેરી આવી હતી અને લાઈસન્સ કઢાવવા રૂ.2680 લઈ ગઈ હતી

દુકાનદારને શંકા જતા પોલીસને જાણ કરી હતી : પોલીસ તપાસમાં વકીલે પોતાની પાસે લાઈસન્સ બનાવવાનો કોન્ટ્રાકટ છે કહી મહિલાઓને ગેરમાર્ગે દોરી હતી

Updated: Sep 30th, 2024


Google NewsGoogle News
બે મહિલાને નોકરી રાખી બોગસ ફુડ સેફટી લાઈસન્સ કાઢી આપતો વકીલ ઝડપાયો 1 - image


- નકલીઓના સીલસીલામાં હવે નકલી મ્યુનિસીપલ કર્મચારી : દુકાનદાર પાસે દોઢ મહિના અગાઉ બે મહિલા મ્યુનિ.ના કર્મચારીઓ જેવા કપડાં પહેરી આવી હતી અને લાઈસન્સ કઢાવવા રૂ.2680 લઈ ગઈ હતી

- દુકાનદારને શંકા જતા પોલીસને જાણ કરી હતી : પોલીસ તપાસમાં વકીલે પોતાની પાસે લાઈસન્સ બનાવવાનો કોન્ટ્રાકટ છે કહી મહિલાઓને ગેરમાર્ગે દોરી હતી


સુરત, : સુરતના શ્યામધામ ચોક શ્યામધામ સોસાયટી ખાતે કરિયાણાની દુકાન ધરાવતા યુવાન પાસે દોઢ મહિના અગાઉ બે મહિલા મહાનગરપાલિકાના કર્મચારીઓ જેવા કપડાં પહેરી આવી હતી અને ફુડ સેફટી લાઈસન્સ કઢાવવા રૂ.2680 લીધા હતા.જોકે, બાદમાં યુવાનને શંકા જતા તેણે પોલીસને જાણ કર્યા બાદ પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે પુણા ભૈયાનગરમાં ઓફિસ ધરાવતો વકીલ પોતાની પાસે લાઈસન્સ બનાવવાનો કોન્ટ્રાકટ છે કહી મહિલાઓને ગેરમાર્ગે દોરી પૈસા ઉઘરાવતો હતો.આથી સરથાણા પોલીસે યુવાનની ફરિયાદના આધારે ગુનો નોંધી વકીલ અને બંને મહિલાની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલી લીલીયા ક્રાકચ ગામના વતની અને સુરતમાં સરથાણા યોગીચોક બાલાજી બંગ્લોઝની પાછળ યોગેશ્વર રો હાઉસ ઘર નં.31 માં રહેતા 35 વર્ષીય પ્રતીકભાઈ બાબુભાઈ બોઘરા શ્યામધામ ચોક શ્યામધામ સોસાયટી મકાન નં.439 માં ગુરૂકૃપા સેલ્સના નામે કરિયાણાની દુકાન ધરાવે છે.ગત 16 ઓગષ્ટના રોજ બે મહિલા મહાનગરપાલિકાના કર્મચારીઓ જેવા કપડાં પહેરી આવી હતી અને પોતે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરીટી ઓફ ઈન્ડીયાના કર્મચારી છે તેવું આઈકાર્ડ બતાવી પ્રતીકભાઈ પાસે ફુડ સેફટીનું લાઈસન્સ માંગ્યું હતું.જોકે, તેમની પાસે લાઈસન્સ ન હોય તે કઢાવવુ પડશે તેમ કહી કઢાવી આપવા માટે તેમની પાસેથી ડોક્યુમેન્ટ અને રૂ.2680 લઇ બાદમાં રસીદ આપી હતી.

જોકે, ત્યાર બાદ પ્રતીકભાઈને પરિચિતો સાથે વાતચીત દરમિયાન બંને મહિલા બોગસ અધિકારી હોવાની શંકા ગઈ હતી.ગત 16 મી ના રોજ તેમણે બંને મહિલાને પાસોદરા સૌરાષ્ટ્ર રેસિડન્સી નજીક એક દુકાનમાં જોતા પોલીસને જાણ કરી હતી.પોલીસે બંને મહિલા કોમલ નગુભાઈ પરમાર ( ઉ.વ.25, રહે.ઘર નં.176, વર્ષા સોસાયટી, બરોડા પ્રિસ્ટેજ, લંબે હનુમાન રોડ, વરાછા, સુરત ) અને શોભના ભુપતભાઈ જાલોધંરા ( ઉ.વ.24, રહે.ઘર નં.1, રૂપસાગર સોસાયટી, ગોડાદરા, સુરત ) ની અટકાયત કરી પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેમને પુણાગામ ભૈયાનગર શુભ પ્લાઝા શોપીંગ સેન્ટર ઓફિસ નં.11 માં બેસતા વકીલ રોહનગીરી અશોકગીરી ગૌસ્વામી ( ઉ.વ.37, રહે.બી/303, જયઅંબે પેલેસ, ઈશ્વરપાર્ક સોસાયટી, સીતાનગર ચોકડી પાસે, પુણાગામ, સુરત. મૂળ રહે.દેવકા ગામ, તા.રાજુલા, જી.અમરેલી ) એ પોતાની પાસે લાઈસન્સ બનાવવાનો કોન્ટ્રાકટ છે કહી તેમને નોકરીએ રાખી છે.

બે મહિલાને નોકરી રાખી બોગસ ફુડ સેફટી લાઈસન્સ કાઢી આપતો વકીલ ઝડપાયો 2 - image

આથી પોલીસે તે દિશામાં તપાસ કરી હતી.જોકે, વકીલાતના અભ્યાસ બાદ વકીલ તરીકે હાલ કામ નહીં કરતા રોહનગીરીએ બંને મહિલાઓને ગેરમાર્ગે દોરી તેમની પાસે આ કામ કરાવી [પૈસા ઉઘરાવ્યા હોવાનું બહાર આવ્યું હતું.આથી સરથાણા પોલીસે ગતરોજ પ્રતીકભાઈની ફરિયાદના આધારે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.


Google NewsGoogle News