સોમનાથના ત્રિવેણી સંગમે 1500 સાધુઓનો મોટો જમાવડો જામ્યો
ભવનાથના શિવરાત્રિ મેળા બાદ સોમનાથમાં સાધુઓનો મુકામ : જુદાં- જુદાં રાજ્યોના મઠાધિપતિઓ, સાધુઓએ મહાકાલી મંદિરે સામૂહિક ભોજનપ્રસાદ ગ્રહણ કર્યા બાદ સ્વસ્થાને જવા રવાના
પ્રભાસપાટણ,: છેલ્લા સાંઈઠ વર્ષની પરંપરા મુજબ જૂનાગઢ ભવનાથના શિવરાત્રિના મેળામાં હાજરી આપ્યા બાદ દેશભરમાંથી આવેલા સાધુ સંતોનો સોમનાથ ત્રિવેણી સંગમમાં જમાવડો થાય છે. એ પરંપરા મુજબ અહી આશરે 1500 સાધુઓ લકઝરી કાર અને અન્ય વાહનોમાં આવી પહોંચ્યા હતા. અહી મહાકાલી મંદિરે ભોજન પ્રસાદ માટે ભંડારો યોજાયો હતો.
ભવનાથ મેળામાં સાધુઓ આવ્યા બાદ સોમનાથ મહાદેવના દર્શન કરીને આ સાધુઓ એમના રાજ્યોમાં આવેલા પોતાના સ્થાનોમાં મઠ વાપસી કરે છે. અહી ત્રિવેણી નદીના કાંઠે આવેલા મહાકાલી મંદિરના મહંત હરિહરગીરીમહારાજે જણાવ્યા મુજબ અહી આશરે 1500 જેટલા સાધુઓએ મુકામ કર્યો હતો. જેમાં સાધુઓના જુદા જુદા જૂથો હોય છે. એમા આજે અહી શંભુ પંચ દશનામ,અખાડા, અટલ અખાડા, ચાર અખાડા અને હરદર્શન મંડળના સાધુઓનું અહી આગમન થયું હતું. આ સંતો શિવરાત્રિ ભવનાથમાં રોકાયા બાદ સતાધાર અને સૌરાષ્ટ્રના આસપાસના તીર્થોમાં યાત્રા કરી છેલ્લે સોમનાથ ત્રિવેણી સંગમે મહાકાલી મંદિરે આવીને સ્નાન કરી એ પછી અહીથી સ્વસ્થાને બિરાજવા નીકળી જાય છે. આજે અહી સાધુસંતોને ભોજનમાં પૂરી શાક, સંભારા, ભજિયાં,રબડી, દાળ ભાત તેમજ ફળાહારીઓને ફરાળી વાનગીઓ અને ફળ આહાર કરાવ્યો હતો.આ વખતે અનેક લોકોએ અહી આવી સાધુઓને ભેટ પૂજા અને દક્ષિણા આપી હતી. તેમજ પંગત પૂજા ભેટ ધરી હતી.