ઠંડીના માહોલમાં પતંગબાજો વચ્ચે ગગન મંડળમાં પતંગયુધ્ધ ખેલાયું
- મોટા ભાગના ખાણી-પીણીના એકમોને ત્યાં ભારે તડાકો
- અગાશી, ધાબાઓ અને છાપરાઓ પર ડીજેના સંગાથે ખાણી-૫ીણીની સૌએ પરિવારજનો અને મિત્રવર્તુળ સાથે જયાફત માણી
ભાવનગર શહેર અને જિલ્લામાં મંગળવારે ઉતરાયણ દરમિયાન વહેલી સવારથી જ પવનના સુસવાટા બપોર સુધી શરૂ રહેતા પતંગબાજોએ બપોર બાદ વધુ માત્રામાં પતંગયુધ્ધ ખેલ્યુ હતુ.ખીયરના પર્વે પતંગબાજોએ પરિવારજનો તેમજ સમવયસ્ક મિત્રોના સંગાથે મન ભરીને પતંગ ઉડાડવાની મજા માણી હતી.જો કે, મોંઘવારીના મારના કારણે આ વર્ષે પતંગો બહુ ઓછી ઉડતી જોવા મળી હતી. ચાઈનીઝ તુકકલ પર કડક નિયંત્રણને લઈને થોડી ઘણી તુકકલ અને ગબારા કયાંક કયાંક ઉડયા હતી. મોડી સાંજે આતશબાજીની જમાવટ વચ્ચે પતંગબાજોએ પરિવારજનો સાથે અગાશી,ધાબાઓમાં ડીજે અને લાઉડ સ્પીકરના સંગાથે રાસ ગરબાની પણ રમઝટ બોલાવી હતી. ખીહરના મહાપર્વે એકબાજુ સવારથી જ ઠંડીનો માહોલ હોય સવારના અરસામાં આકાશમાં પતંગો બહુ ઓછા જોવા મળ્યા હતા. બાદ તડકો જામતા પતંગપ્રેમીઓ દ્વારા અવનવા અને રંગબેરંગી પતંગોની મનોહર રંગોળી રચાવા લાગી હતી. અને આ સાથે પતંગો વચ્ચે યુધ્ધનો માહોલ જામ્યો હતો. દિવસ દરમિયાન પવન રહેતા પતંગપ્રેમીઓેને પતંગ ચગાવવામાં ઝાઝી કસરત કરવી પડી ન હતી. દિવસ દરમિયાન ડીજે અને લાઉડ સ્પીકરમાં ધમાકેદાર ગીતોની જમાવટ થઈ હતી. તેમજ ચિત્રવિચિત્ર અને કર્કશ અવાજ કરતા પિપુડાઓએ માહોલ ગુંજતો કર્યો હતો.રેડીમેડ ફૂડપેક ઉપરાંત ભુંગળા,બટેટા, પાઉ ગાંઠીયા, ચણામઠ, ઈડલી અને મેંદુવડાની અનેક પરિવારોએ અગાશીઓ અને ધાબાઓમાં જયાફત માણી હતી. આ સિઝનમાં અંદાજે રૂા ૫૦ લાખથી વધુની કિંમતના પતંગ, દોરી અને બ્યુગલ, ગોગલ્સ, ફેસમાસ્ક સહિતની અવનવી એસેસરીઝનું વેચાણ થયુ હતુ. જયારે બપોરે અને સાંજના અરસામાં સ્થાનિક હોટલ, રેસ્ટોરન્ટ તેમજ હાઈવે પરના ધાબાઓમાં ખાણી-પીણીઓના એકમોને ત્યાં ભારે તડાકો જોવા મળ્યો હતો. આ વર્ષે પતંગપ્રેમીઓને મંગળવારે મકરસંક્રાતિની સાથોસાથ બુધવારે બાળકોએ વાસી ખીહરની રજામાં પણ પતંગ ચડાવવાનો લ્હાવો મળ્યો હતો. મકર સંક્રાંતિના પુણ્યઅવસરે દાન પુણ્યનું સહસ્ત્રગણુ ફળ મળતુ હોય ચોતરફ ધર્મપ્રેમીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સાધુ, બ્રાહ્મણ, સંતો, મહંતો, નીરાધાર અને જરૂરીયાતમંદોને અનાજ અને વસ્ત્રોનું દાન કરી પુણ્યનું ભાથુ બાંધવામાં આવ્યુ હતુ. આ સાથે ભાવિકો દ્વારા ગૌપુજન પણ કરાયુ હતુ. જીવદયાપ્રેમીઓએ સ્થાનિક ગૌશાળા, પાંજરાપોળમાં ઘાસચારો અને અબોલ પશુઓને દાણા પાણી, રખડતા પશુઓને લાડવા સહિતની સેવાકીય પ્રવૃતિઓ કરી હતી. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સંતગણના માર્ગદર્શન તળે હરિભકતોની ઝોળીદાન યાત્રા સ્થાનિક મર્યાદિત સ્થળોએ યોજાઈ હતી. જયારે સ્થાનિક પુષ્ટિમાર્ગીય હવેલીઓ તેમજ વૈષ્ણવ મંદિરોમાં ઠાકોરજીને મરી મસાલાઓથી ભરપુર ગળ્યા અને ખારા સાત ધાનના ખીચડાનો ભોગપ્રસાદ ભાવભેર ધરાયો હતો. ઉતરાયણની ઉજવણી સાથે ધનારક કમુર્હૂતા પુર્ણ થતા હવે આગામી છ માસ સુધી ચોતરફ યજ્ઞા, યજ્ઞાાદિ, હોમહવન,ગૃહ પ્રવેશ,ગૃહારંભ, ગૃહનુ ચણતર કાર્ય અને માંગલિક કાર્યોનો ધમધમાટ ક્રમશ જામશે. ઉત્તરાયણના પર્વને લઈને પોલીસતંત્ર દ્વારા ભાવનગર શહેર અને જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
લોકો લાખો રૂપીયાનું ઉંધીયુ ઝાપટી ગયા..
ઉત્તરાયણના તહેવારને અનુલક્ષીને સ્થાનિક નામી અનામી મીઠાઈ અને ફરસાણના વિક્રેતાઓ, કેટરીંગ સર્વિસવાળાઓ અને રસોયાઓએ ઠેર-ઠેર ઉંધીયુ, પુરી સહિતની વાનગીઓના મંડપ નાખ્યો હતો.જયા મોટા ભાગના સ્થળોએ નીયત સમય કરતા વહેલા માલ ખાલી થઈ ગયો હતો અને લોકો લાખો રૂપીયાનું ઉંધીયુ ઝાપટી ગયા હતા. જયારે બપોરે અને સાંજે શહેરમાં અને છેવાડાની હોટલ, રેસ્ટોરન્ટ, ધાબાઓમાં ભારે તડાકો બોલી ગયો હતો. મોટા ભાગના ખાણી-પીણીના એકમોને ત્યાં સ્વાદરસિકોના ટોળા જામ્યા હતા અને ઘણી જગ્યાએ તો વેઈટીંગ પણ જોવા મળ્યા હતા.
સિંધુનગર સહિતના વિસ્તારોમાં હાટડા મંડાયા
ઉત્તરાયણના આગલા દિવસે સોમવારે મોડી રાત્રી સુધી શહેરના મોતીબાગ, પીરછલ્લા શેરી, વોરાબજાર,આંબાચોક અને ઘોઘાગેટ સહિત આસપાસના વિસ્તારોમાં પતંગ, દોરી, ફેસમાસ્ક, ગેસ બલુન, ફૂગા, લાઈટીંગવાળા ફૂગા, હોર્ન, પીપુડા સહિતની એસેસરીઝની ધૂમ ખરીદી જોવા મળી હતી. આ બજારોમાં ગ્રાહકોની હકડેઠઠ ભીડ જામી હતી.તેને લઈને મુખ્ય માર્ગો વાહનોથી ઉભરાયા હતા. પતંગના યુધ્ધમાં વિજેતા મેળવવા માટે ધારદાર દોરી તૈયાર કરવા માટે શહેરના જવાહર મેદાન, ગંગાજળીયા તળાવ સહિતના સ્થળોએ માંજા સેન્ટરો છેલ્લી ઘડી સુધી ધમધમતા રહ્યા હતા અને ઠેર ઠેર માર્ગોમાં ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.રસાલા કેમ્પ, સિંધુનગરમાં પણ ઠેર-ઠેર પતંગ, દોરી અને એસેસરીઝના હાટડાઓ ધમધમતા રહ્યા હતા.