કાર્ડિયાક પેશન્ટને યોગ્ય ખોરાક સૂચવી આપતું હાઈબ્રિડ મોડેલ

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News
કાર્ડિયાક પેશન્ટને યોગ્ય ખોરાક સૂચવી આપતું હાઈબ્રિડ મોડેલ 1 - image


ઋતુ, કાર્યશૈલી, વજન, વય જેવાં પરિબળો પરથી પોરબંદરના પ્રાધ્યાપકનાં 'એડવાન્સ મશીન લર્નિંગ અલ્ગોરિધમ' નામક સંશોધન કાર્યનું પેટન્ટ ફાઈલિંગ

પોરબંદર, : હૃદયરોગના દર્દીઓની સંખ્યા વધતી ચાલી છે એવામાં પોરબંદરના એક અધ્યાપક નિરવ મહેતાએ એક ઉપયોગી મોડેલ તૈયાર કર્યું છે, જે કાર્ડિયાક પેશન્ટને પોતાની વય, જીવનશૈલી, વજન વગેરેને અનુરૂપ કઈ સીઝનમાં કેવો ખોરાક લેવો એ સૂચવી આપે છે.

પોરબંદરની વી. જે. મોઢા કોલેજના કોમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટના સહાયક અધ્યાપક નીરવ પરેશકુમાર મહેતાએ હાલ રાજકોટની આત્મીય યુનિવસટી ખાતે તેમના પીએચ.ડી. અભ્યાસ અંતર્ગત 'એડવાન્સ્ડ મશીન લર્નિંગ અલ્ગોરીધમ ફોર રેકમેન્ડીંગ ગુજરાતી ફૂડ ટુ કાડયોવાસ્ક્યુલર પેશન્ટ' વિષય હેઠળ રિસર્ચ સુપરવાઇઝર ડો.હેતલ ઠાકરના માર્ગદર્શન હેઠળ હાઇબ્રિડ મોડલ તૈયાર કર્યું છે. હૃદયરોગના દર્દીઓની સમસ્યા અને રોજબરોજના કેલેરીવાળા ખોરાકને ધ્યાને રાખી તેમણે બેઝલાઇન ઓન્લી, કો-ક્લસ્ટરીંગ, કે.એન.એન. બેસીસ જેવા 10થી વધુ એલ્ગોરીધમના ઉપયોગ દ્વારા મોડેલ તૈયાર કર્યું છે. તેનો ઉપયોગ કરવાથી દર્દીઓને જરૂરી ન્યુટ્રીશન અને કેલેરીવાળો ક્યો ખોરાક તેની જાતિ, ઉંમર, વજન, સિઝન, રોજબરોજની કાર્યશૈલી, ઊંચાઈ જેવા અગત્યના પરિબળોના આધારે લેવો એનો ખ્યાલ આવી શકે છે. તેનું વર્ગીકરણ સમયના આધારે સવાર, બપોર, સાંજ એમ ત્રણ વિભાગમાં કરવામાં આવ્યું છે અને એ ખાસ ગુજરાતમાં રહેતા હૃદયરોગના દર્દીઓને ઉપયોગી બની રહે તે હેતુ માટે બનાવવામાં આવ્યું છે. જુદી જુદી કેલેરીના આધારે દરેક દર્દીઓને ક્યો ખોરાક લેવો તેની માહિતી આ અલ્ગોરીધમનો ઉપયોગ કરીને મેળવવામાં આવે છે. આ અલ્ગોરીધમ બનાવવા માટે સંશોધક દ્વારા ગુજરાતનાં જુદા જુદા શહેરોના ડોક્ટરોની મુલાકાત લેવામાં આવી હતી તથા ઉપરોક્ત પરિબળોને આધારે 90 થી પણ વધુ ખોરાકનું વર્ગીકરણ કરાયું હતું. હૃદયરોગના દર્દીઓને ખોરાકની બાબતમાં ઉપરોક્ત પરિબળોના આધારે મોડેલમાં માહિતી રજૂ કરવાથી બી.એમ.આર. (બેઝલ મેટાબોલિક રેટ) મળે તેના આધારે આ મોડેલ દર્દીને ક્યો ખોરાક લેવો તેની માહિતી અને વર્ગીકરણ કરી આપે છે.

સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી હેઠળ ફન્ડિંગ

સંશોધન ક્ષેત્રમાં યુવા વર્ગ આગળ વધે તે માટે સરકાર અને યુ.જી.સી. નવી નવી શોધ સ્કીમો અને સ્કોલરશીપ આપતી હોય છે. 35  વર્ષ સુધીની ઉંમર ધરાવતા યુવા સંશોધકને પ્રોત્સાહક સ્કોલરશીપ આપીને નવાં નવાં સંશોધન કાર્ય થતાં રહે તે હેતુથી ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી (એસ.એસ.આઇ.પી.) લોન્ચ કરવામાં આવી છે. ઉપરોક્ત સંશોધન કાર્ય માટે પણ આ પોલિસી અંતર્ગત ફંડિંગ કરવામાં આવ્યું છે. આ યુવા અધ્યાપકે એસ.એસ.આઇ.પી.માં પોતાના આ મોડેલને પેટન્ટ કરી ફાઈલિંગ કરાવેલ છે.


Google NewsGoogle News