જામનગર નજીક હાપા જલારામ મંદિર પાસે આવેલા એક કૂવામાંથી માનવ મૃતદેહ મળી આવ્યો
જામનગર નજીક હાપા જલારામ મંદિર પાસે આવેલા એક કૂવામાં માનવ મૃતદેહ તરી રહ્યા છે, તેવી માહિતી પોલીસને મળી હતી. જેથી પંચકોશી બી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ લાંબરીયાએ જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા ને જાણ કરી હતી. જેથી ફાયર શાખાના કર્મચારીની ટુકડીએ બનાવના સ્થળે પહોંચી જઇ પાણીમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો, અને પોલીસને સુપ્રત કર્યો હતો.
મૃતકનું નામ કિશોરભાઈ કરશનભાઈ મસુરીયા (ઉંમર વર્ષ ૫૨) અને હાપા વિસ્તારમાં રહેતા હોવાનું તેમજ મજૂરી કામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પુત્ર સચિન કિશોરભાઈએ બનાવ ના સ્થળે આવીને પોતાના પિતાના મૃતદેહ ને ઓળખી બતાવ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન મૃતક પ્રૌઢ છૂટક મજૂરી કામ કરતા હોવાનું અને દારૂ પીવાની આદત ધરાવતા હોવાનું પણ જાણવા મળ્યું હતું. પ્રાથમિક દ્રષ્ટિએ તેઓએ આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસ દ્વારા અનુમાન કરાયું છે.