પાદરા-જંબુસર ફોર લેન રોડની કામગીરીમાં વડુ નજીક ભારે હોબાળો
ખેડૂતોને નોટિસ કે વળતર પણ આપ્યું નથી : બળજબરીથી કામગીરી કરવામાં આવતી હોવાનો આક્ષેપ
પાદરા, પાદરામાં છેલ્લા કેટલાક સમયથી ફોર લેન રોડની કામગીરી ચાલી રહી છે. પાદરાના વડુ ગામ નજીક રોડ પરના ખેડૂતોને કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના કે જમીન સંપાદન કર્યા વિના કે વળતર આપ્યા વગર કામગીરી કરવામાં આવતા ખેડૂતોએ રોષ વ્યક્ત કરી વિરોધ દર્શાવ્યો હતો.
ખેડૂતોએ ભારે હોબાળો મચાવતા પાદરા મામલતદાર, પોલીસ તેમજ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા કે પોલીસને સાથે રાખી બળજબરી પૂર્વક કામગીરી કરવામાં આવે છે. ખેડૂતોએ એવો આક્ષેપ કર્યો હતો કે તેઓની જમીનનું કોઈપણ પ્રકારનું વળતર આપવામાં આવ્યું નથી.
આ અંગે પાદરાના અગ્રણીનું કહેવું છે કે, પાદરા-જંબુસર રોડની કામગીરી બાબતે પાંચ માસ પહેલા કિસાન સંઘે આવેદન પત્ર આપેલું છે. ખેડૂતોની જમીન ૨૪ મીટર રોડમાં ગઈ તેનું વળતર આપેલુંં નથી અને જમીન પણ સંપાદન થયેલી નથી. જે બાબતે અવારનવાર જે તે વિભાગના અધિકારીઓ અને મામલતદારને રજૂઆત કરેલી છે. વળતર બાબતે ખેડૂતોના હિતમાં સરકારે કોઈ નિર્ણય નથી લીધો. અધિકારીઓ પણ જવાબ નથી આપતા. વડુથી એ ખેડૂતો હાઈકોર્ટમાં કેસ લડે છે, અને ખેડૂતોને વળતર અપાય તેવી માગ કરી રહ્યા છે.
અન્ય એક આગેવાને જણાવ્યું હતું કે, પાદરા-જંબુસર રોડની કામગીરી મુદ્દે જે વિવાદ છે તેને લઈ ખેડૂતો કોર્ટમાં ગયેલા છે. સ્થળ નિરીક્ષણ કરી ખેડૂતોની જે માંગણીઓ છે તેનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તે જરૃરી છે.
વડુના એક ખેડૂતે આ મુદ્દે કહ્યું હતું કે, સંપાદન થયા વગર પોલીસને સાથે રાખીને બળજબરી પૂર્વક ખેડૂતોની જમીનનો કબજો માંગે છે. સંપાદન થયું હોય તો તેનું વળતર તો ચૂકવો.