મોરબીમાં મચ્છુ નદી પર દોઢ વર્ષ પૂર્વે બનાવેલા નવા પુલમાં મસમોટું ગાબડું
પુલની નબળી ગુણવતાની પોલ ખુલી ટ્રાફિકથી ધમધમતા મોરબી-કચ્છને જોડતા માર્ગ પરના પુલમાં ગાબડું પડતા તંત્રમાં દોડધામ મચીઃ એક તરફનો રસ્તો બંધ કરાયો
મોરબી, : ડબલ એન્જીન સરકાર અને સતત વિકાસના ગાણા ગાતી સરકારના રાજમાં નવા બનેલા પુલની ગુણવત્તા કેટલી નબળી હોય છે.તેના અનેક ઉદાહરણો જોવા મળ્યા છે. છાશવારે નવા બનેલા પુલ તૂટી જવાની અને ગાબડા પડવાની ઘટના બનતી રહે છે.જેમાં આજે મોરબીની જૂની આરટીઓ કચેરી નજીક મચ્છુ નદી પર દોઢ વર્ષ પૂર્વે નવા બનેલા પુલમાં ગાબડું પડતા ફરી એક વખત વિકાસની પોલ ખુલી ગઈ છે.ગાબડું પડતા એક તરફનો રોડ બંધ કરવાની ફરજ પડી છે.
મોરબીને કચ્છ સાથે જોડતા મુખ્ય માર્ગ સમાન જૂની આરટીઓ કચેરી પાસે મચ્છુ નદી પર પુલ બનાવવામાં આવ્યો હતો. અંદાજે દોઢ વર્ષ પૂર્વે નવા પુલને બનાવીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.અને માત્ર દોઢ વર્ષના ટૂંકાગાળામાં પુલ પર મસમોટું ગાબડું પડેલું જોવા મળ્યું હતું.રાજકોટથી આવતા વાહનોને કચ્છ તરફ જવા માટેનો આ મુખ્યમાર્ગ હોય જેથી સતત ટ્રાફિકથી ધમધમતો રહે છે અને પુલ પર મોટું ગાબડું પડતા હાલ ગાબડા ફરતે પથ્થર રાખી કામ ચલાઉ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.ગાબડું એટલું મોટું છે કે તે ગાબડામાંથી નીચે રહેલ મચ્છુ નદીનું પાણી સ્પષ્ટ જોઈ શકાય છે.
આ રોડ સતત ટ્રાફિકથી ધમધમતો રહે છે.અને મોટું ગાબડું પડતા તંત્રમાં દોડધામ મચી હતી.બ્રિજનું કામ રાજકોટ આર એન્ડ બી વિભાગ હસ્તક આવતું હોવાથી તેઓને જાણ કરવામાં આવી હતી.જોકે સાંજ સુધી રાજકોટની ટીમ પહોંચી ના હતી.જોકે માત્ર દોઢ વર્ષમાં પુલમાં ગાબડું પડી ગયું છે ત્યારે પુલની ગુણવત્તા કેમ આટલી નબળી હતી તેનો જવાબ શાસક પક્ષે જ આપવો રહ્યો ગાબડું પડતા એક તરફનો રોડ બંધ કરવાની ફરજ પડી છે.
પુલમાં ગાબડા અંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે તાત્કાલિક અધિકારીને મોકલ્યા છે.નબળા કામની તપાસ માંગી છે.પુલનું કામ નબળું થયાનો પણ ધારાસભ્યએ જાહેર કરેલ વિડીયોમાં એકરાર કર્યો હતો.અને જે તકલીફ હશે તે કોન્ટ્રાકટર પાસે રીપેર કરાવીશું તેવું જણાવ્યું હતું જોકે પુલ ની કામગીરી નબળી થઇ છે તો અત્યાર સુધી કેમ કોઈ એક્શન ના લેવાયા તેનો જવાબ શાસક પક્ષે જ આપવો પડશે.