Get The App

પોરબંદરની સરકારી હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં જોરદાર ધડાકા સાથે બ્લાસ્ટ, કર્મચારી ઇજાગ્રસ્ત

Updated: Mar 2nd, 2025


Google NewsGoogle News
પોરબંદરની સરકારી હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં જોરદાર ધડાકા સાથે બ્લાસ્ટ, કર્મચારી ઇજાગ્રસ્ત 1 - image


Porbandar News : પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં આવેલા ઓપરેશન થિયેટર ખાતે ઓટોકલેવ વર્ટીકલ મશીનમાં અચાનક બ્લાસ્ટ થતા હોસ્પિટલના એક કર્મચારીને હાથમાં ગંભીર ઇજા થઇ છે. સદનસીબે આ બનાવ બન્યો ત્યારે અન્ય કોઇ દર્દી કે ડૉકટર હાજર નહી હોવાથી કોઇને ઇજા કે જાનહાની થયા નથી પરંતુ આ મુદ્દે હોસ્પિટલના તંત્રએ પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પોરબંદરની ભાવસિહજી હોસ્પિટલમાં 10 વાગ્યા આસપાસ ઓપરેશન થિયેટર વિભાગમાં એક ઓપરેશન કરવાનું થાય તે પહેલા પૂર્વ તૈયારીના ભાગરૂપે કર્મચારી જયેશભાઇ ઢાકેચા પોતાની કામગીરી કરી રહ્યા હતા. ત્યારે ઓટોકલેવ વર્ટીકલ મશીનમાં અચાનક જ બ્લાસ્ટ થતા ધમાકો એટલો ભયંકર હતો કે સમગ્ર હોસ્પિટલ સંકુલ ધ્રૂજી ઉઠયું હતું.

ઓટોકલેવમાં બ્લાસ્ટ થતા કર્મચારી જયેશભાઇ ઢાકેચા (ઉ.વ. 56)ને હાથના ભાગે અત્યંત ગંભીર ઇજા થઇ હતી તેથી પ્રાથમિક સારવાર આપ્યા બાદ એકસ-રે કરાવ્યો હતો અને એમ.આર.આઇ.ની પણ કાર્યવાહી થઇ હતી. બનાવની જાણ થતા હોસ્પિટલનું તંત્ર દોડતુ થઇ ગયુ હતુ અને સિવિલ સર્જન સહિત ઉચ્ચ અધિકારીઓ ત્યાં દોડી આવ્યા હતા. તથા કયા કારણોસર ઘટના ઘટી? તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં આવેલા ઓટોકલેવ વર્ટીકલ મશીનમાં ધડાકો એટલો જોરદાર થયો હતો કે સ્ટીલની કોઠી જેવા આ મશીનના ઢાંકણ ધડાકાભેર ખુલી જતા પી.ઓ.પી.ની છતમાં મોટા ગાબડા પડી ગયા છે. ભાવસિંહજી હોસ્પિટલના પહેલા માળે ઓપરેશન થિયેટર આવેલ છે અને ત્યાં ઓટોકલેવ વર્ટીકલ માં બ્લાસ્ટ થયો ત્યારે તેનો અવાજ અને ધડાકો મુખ્ય રસ્તા પર આવેલા ચર્ચ સુધી અને સામે આવેલા ભુતનાથ મહાદેવ મંદિરમાં દર્શન કરતા શ્રધ્ધાળુઓએ પણ સાંભળ્યો હતો.



Google NewsGoogle News