ACના કમ્પ્રેસરમાંથી વીજશોક લાગતા ગૃહિણી સળગીને ભડથું
- રાજકોટના હરીધવા રોડ પરની કમકમાટીભરી ઘટના
- બાજુમાં આવેલી સ્કૂલના શિક્ષકે અગ્નિશમનના સાધનો વડે ઠારવાનો પ્રયાસ કર્યો પરંતુ સફળતા ન મળી
રાજકોટ : હરીધવા રોડ પરના પટેલ ચોકમાં આજે સવારે અગાસી પર કપડા સુકવતી ગૃહિણી એરકંડીશનના કમ્પ્રેશરમાં થયેલા શોર્ટસર્કિટને કારણે ભભૂકી ઊઠેલી આગમાં ભડથું થઈ જતાં આસપાસના સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ હતી. જાણ થતાં લોકો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા. ભક્તિનગર પોલીસે એડી નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, પટેલ ચોકમાં રહેતા નીતાબેન મીઠાભાઈ રામાણી (ઉ.વ.૫૦) આજે સવારે ૯ વાગ્યે મકાનની અગાસીએ કપડા સુકવવા અને સાફસુફી કરવા માટે ગયા હતા. ત્યારે ગમે તે કારણસર અગાસી પર રહેલા એરકંડીશનરના કમ્પ્રેસરમાં શોટસર્કિટ થતાં આગ ભભૂકી ઊઠી હતી.
જેની ઝપેટમાં નીતાબેન આવી જતાં ભડભડ સળગી ઊઠયા હતા. કમ્પ્રેસરમાં શોટસર્કિટને કારણે ધડાકા જેવો અવાજ થતાં બાજુમાં આવેલી સ્કૂલના એક શિક્ષક સ્કૂલની અગાસી ઉપર શું થયું તે જોવા દોડી આવ્યા હતા ત્યારે બાજુની અગાસી પર નીતાબેનને સળગતા જોઈ સ્કૂલમાં પડેલા અગ્નિશમનના સાધનો વડે તેને ઠારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી ન હતી. આખરે ફાયરબ્રિગેડને જાણ કરાતા તેના સ્ટાફે આવી આગ બુઝાવી હતી.
પરંતુ તે પહેલાં તો નીતાબેન આખા શરીરે સળગીને ભડથું થઈ ગયા હતા. જે દ્રશ્યો જોઈ ત્યાં ઉપસ્થિત લોકોમાં કમકમાટી છૂટી ગઈ હતી. જાણ થતાં ભક્તિનગર પોલીસ સ્થળ પર ગઈ હતી. પોલીસે હાલ એડી નોંધી તપાસ હાથ ધરી છે. ભોગ બનનાર નીતાબેનને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. ત્રણેય પરિણીત છે, પતિ મજૂરીકામ કરે છે. તેના પરિવાર અને પાડોશીઓમાં ઘેરો શોક વ્યાપી ગયો હતો.