Get The App

જામનગરના એક હોટલબોયને પોલીસ સ્ટેશનમાં પાંચ પોલીસકર્મીઓએ માર માર્યાની એસપી સમક્ષ ફરિયાદ

Updated: Feb 4th, 2025

GS TEAM


Google News
Google News
જામનગરના એક હોટલબોયને પોલીસ સ્ટેશનમાં પાંચ પોલીસકર્મીઓએ માર માર્યાની એસપી સમક્ષ ફરિયાદ 1 - image


જામનગરમાં ખંભાળીયા નાકા પાસે આવેલી ચાની હોટલમાં કામ કરતા હોટલબોયને હિસાબમાં 30 રૂપિયાની ઘટ આવવા સંબંધે હોટલ સંચાલક સાથે થયેલી માથાકુટની ફરિયાદમાં પોલીસે હોટલબોયને ઝડપી લઈ પોલીસ સ્ટેશનમાં પાંચ પોલીસકર્મીઓએ ઢોર માર માર્યાની એસ.પી.ને ફરિયાદ કરવામાં આવી છે, અને જી.જી. હોસ્પિટલમાં મેળવેલી સારવારના કાગળો તેમજ પોતાને શરીરમાં થયેલી ઇજાના ફોટોગ્રાફ્સ અરજી સાથે એસપી સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે.

શહેરના ગુલાબનગરમાં રહેતો દિવ્યેશ દિનેશભાઈ વાઘેલા (ઉ.વ.25) નામનો યુવાન ખંભાળીયા નાકા પાસે એક ચાની હોટલમાં હોટલબોય તરીકે કામ કરે છે, અને ગત તા. 30ની રાત્રીના હીસાબમાં રૂ. 30ના ગોટાળા બાબતે હોટલ સંચાલક બીજલ ભરવાડ સાથે ઝપાઝપી થઈ હતી.

જે દરમ્યાન સાઈડમાં વાહનમાં ઉભેલો પોલીસ સ્ટાફ હોટલબોયને સીટી એ. ડિવિઝન પોલીસ મથકે લઈ ગયા હતા. જ્યાં પોલીસકર્મીઓ રવિ શર્મા, કાનાભાઈ દેવાભાઈ, પદુભા અને બે અજાણ્યા પોલીસકર્મીઓએ કમરપટ્ટા. ટીનની પટી, લાકડાના ધોકા વડે આડેધડ માર માર્યો હોવાની અને હોટલ સંચાલકની ફરિયાદ પરથી હુમલા અંગેની ખોટી ફરિયાદ નોંધી હોવાની જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સમક્ષ અરજી કરવામાં આવી છે જે અરજીમાં પોતાને જામીન પર મુક્ત કરાયા બાદ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર લેવી પડી હોવાની રજૂઆત કરાઈ હતી.

જેના એમએલસી કેસ પેપર સહિતના કાગળ તેમજ પોતાને શરીરમાં જ્યાં જ્યાં માર માર્યો હોય, તેના નિશાનો ઉઠી આવ્યા હોવાથી તેના ફોટોગ્રાફ્સ તૈયાર કરીને એસ.પી. સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. અને ઉપરોક્ત પાંચેય પોલીસ કર્મચારીઓ સામે પગલાં લેવા માંગણી કરવામાં આવી છે.

Tags :