Get The App

વડોદરામાં ફુલ સ્પીડે દોડતી કારે રાહદારીઓને અડફેટે લીધા :પોલીસની હાજરીમાં જ ઉશ્કેરાયેલા ટોળાએ બે યુવકને ફટકાર્યા

Updated: Feb 11th, 2025

GS TEAM


Google News
Google News
વડોદરામાં ફુલ સ્પીડે દોડતી કારે રાહદારીઓને અડફેટે લીધા :પોલીસની હાજરીમાં જ ઉશ્કેરાયેલા ટોળાએ બે યુવકને ફટકાર્યા 1 - image


Vadodara Accident : વડોદરા શહેરમાં ગત મોડીરાત્રે ઓવર સ્પીડના કારણે પાણીગેટ વિસ્તારમાં કાળા રંગની એક કારને અકસ્માત સર્જાયો હતો. જેમાં કારને નુકસાન થયું હતું જો કે રાહદારીઓનો આબાદ બચાવ થયો હતો. બનાવના કારણે વિફરેલા લોકોના ટોળાએ પોલીસની હાજરીમાં જ કારમાં સવાર બે યુવકોને કાયદાનું ભાન કરાવવા બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો.

 મળતી માહિતી અનુસાર વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસ અવારનવાર ટ્રાફિક અવેરનેસ ડ્રાઈવ આયોજિત કરે છે. આવી ડ્રાઈવના લીરેલીરા ઉડતા અકસ્માતના નાના-મોટા બનાવવા શહેરમાં બનતા રહેતા હોય છે. 

શહેરના પાણીગેટ વિસ્તારની ટાંકી પાસે મોડી રાત્રે ફુલ સ્પીડમાં દોડી રહેલી કાળા રંગની એક કારની ઓવર સ્પીડના કારણે અકસ્માત સર્જાયો હતો. કારનું બોનેટ ઉખડી ગયું હતું. અકસ્માતમાં ધડાકાનો અવાજ આવતા લોકો રોડ પર દોડી આવ્યા હતા. કારમાં બે નબીરા હોવાનું પ્રત્યક્ષ દર્શીઓનું કહેવું છે. અકસ્માતની જાણ થતા ઘટના સ્થળે પોલીસ પણ આવી પહોંચી હતી. ત્યારે વિફરેલા ટોળાએ પોલીસની હાજરીમાં જ કાયદાનું ભાન કરાવવા યુવકોને મેથીપાક ચખાડ્યો હતો. પોલીસે ટોળા વચ્ચેથી કારચાલક તથા એક અન્યને મહા મહેનતે દૂર ખસેડ્યા હતા. 

શહેરમાં દરરોજ રાત પડે પૂરપાટ દોડતા વાહનો લોકોના જીવને જોખમ ઊભું કરી રહ્યા છે. પાણીગેટ ટાંકી પાસે સર્જાયેલા અકસ્માતમાં રાહદારીઓનો આબાદ બચાવ થયો હતો.બનાવ અંગે પોલીસે યુવકોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કેટલાક ચાલકો ટ્રાફિક નિયમનનો વારંવાર ભંગ કરે છે 

સ્માર્ટ સિટી વડોદરામાં ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ અકસ્માતો નિવારવા માટે સ્પેશ્યલ ડ્રાઈવ કરવામાં આવી રહી છે. તેમજ લોકોમાં ટ્રાફિક નિયમ અંગે અવેરનેસ લાવવા માટે વિવિધ કાર્યક્રમો પણ કરવામાં આવે છે. આ ઉપરાંત દંડનીય કાર્યવાહી કરી લોકોના વાહન ડિટેન પણ કરવામાં આવતા હોય છે, તેમ છતાં કેટલાક ચાલકો આજે પણ ટ્રાફિક નિયમનનો સરેઆમ ભંગ કરતા જોવા મળ્યા છે.

Tags :