ગોત્રી વુડાના મકાનમાં પાડોશીના મકાનમાં પેટ્રોલ છાંટી માથાભારે શખ્સે આગ લગાવી દીધી
મોડીરાત સુધી ઘરની બહાર ઉભા રહીને બૂમબરાડા પાડતા હોઇ પાડોશીએ બૂમો પાડવાની ના પાડતા ઝઘડો કર્યો
વડોદરા,ગોત્રી વુડાના મકાનમાં પાડોશીના ઘરમાં પેટ્રોલ છાંટીને માથાભારે શખ્સે આગ લગાવી દીધી હતી. જે અંગે મહિલાએ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગોત્રી વુડાના મકાનમાં રહેતા કાંતાબેન કમલેશભાઇ શર્માએ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા પતિનું ૧૧ વર્ષ પહેલા અવસાન થયું છે. ત્યારથી હું મારા દિયર સાથે રહું છું. મારા દિયર સુરેશ રાજારામભાઇ શર્મા ખોડિયાર દુગ્ધાલય ડેરીમાં નોકરી કરે છે.ગત તા. ૮ મી એ રાતે બે વાગ્યે મારા ઘરની બહાર પાડોશમાં રહેતા યશ ઉર્ફે લચ્છી સંતોષભાઇ વસાવા તેમના અન્ય મિત્રો સાથે મોટા અવાજે બૂમ બરાડા પાડતા હતા. જેથી, મેં દરવાજો ખોલીને કહ્યું કે, લચ્છીભાઇ તમે લોકો અવાજ ના કરશો. મારી વાત સાંભળીને લચ્છીભાઇ ઉશ્કેરાઇને ગાળો બોલવા લાગ્યા હતા. તે સાંભળીને મારા દિયરે ઘરની બહાર આવીને કહ્યું કે, તું મારા ભાભીને ગાળો ના બોલીશ. જે કહેવું હોય તે મને કહે. તું ઉભો રહે. હું તને બતાવું છું. તેવુ ંકહીને લચ્છી ઘરમાંથી રામપુરી ચપ્પુ લઇને ધસી આવ્યો હતો. તેના ત્રણ મિત્રોએ તેને પકડી રાખ્યો હતો. મેં મારા દિયરને ઘરની અંદર લઇ દરવાજાની લોખંડની જાળી અંદરથી બંધ કરી દીધી હતી. હું ઘરની બહાર ઉભી રહી હતી. લચ્છીએ મને કહ્યું કે, તું ખસી જા. તારા દિયરને બહાર નહીં કાઢે તો હું તારૃં ઘર સળગાવી દઇશ. હું એક વર્ષ સજા કાપીને આવ્યો છું. ફરી તારા દિયરને મારી ફરીથી એક વર્ષ કાપીને આવીશ. મને કોઇ ફરક નહીં પડે. મેં અંદર જઇને ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો. લચ્છીએ જોરજોરથી દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ,મેં દરવાજો નહીં ખોલતા લચ્છીએ ઘરની જાળીમાંથી ઘરમાં પેટ્રોલ છાંટી દીધું હતું. ત્યારબાદ સળગતી દીવાસળી અંદર ફેંકતા પડદા અને કપડા સળગી ગયા હતા. મેં પાણી છાંટીને આગ ઓલવી દીધી હતી.