નવસારી રેલવે ટ્રેક પર પડેલો હથોડો ઉછળીને રેલવેકર્મીની છાતીમાં વાગ્યો, હોસ્પિટલમાં દાખલ
Navsari Railway Station: નવસારી રેલવે સ્ટેશને રેલવેકર્મીઓની બેદરકારીને કારણે એક મોટી દુર્ઘટના થતી રહી ગઈ હતી. નવસારી રેલવે સ્ટેશન પરથી સુપરફાસ્ટ ટ્રેન પસાર થઈ હતી. આ દરમિયાન તેજસ સુપર ફાસ્ટ ટ્રેન આવી પહોંચતા કર્મચારીઓ હથડો ટ્રેક પર ભૂલી ગયા હતા. ટ્રેનની ઝપેટમાં આવતા હથોડો ઉછળીને પ્લેટફોર્મ ઉપર ઉભેલા રેલવેકર્મીની છાતીમાં વાગ્યો હતો. જેના કારણે તેમની પાંસળીઓ તૂટી ગઈ હતી. હાલ તેમની નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
મોટી દુર્ઘટના થતી રહી ગઈ
મળતી માહિતી અનુસાર, 18મી ફેબ્રુઆરીએ નવસારી રેલવે સ્ટેશને પાસે ટ્રેક પર રૂટિન મેન્ટેનન્સનું કામ ચાલી રહ્યું હતું. પ્લેટફોર્મ નં.2 પર કમલેશ સોનકર ઊભા હતા. આ દરમિયાન તેજસ એક્સપ્રેસ ટ્રેન આવતા કર્મચારીઓ ટ્રેક પરથી ખસી ગયા હતા અને પ્લેટફોર્મ નં.3 પરથી તેજસ એક્સપ્રેસ પસાર થઈ હતી. જો કે કર્મચારી હથોડો ટ્રેક પર જ ભૂલાઈ જતા ટ્રેનની ટક્કરે હથોડો ઉછળીને કમલેશભાઈના છાતીના ભાગે વાગ્યો હતો. આ બનાવની જાણ થતા જ સ્ટેશન માસ્તર દ્વારા 108ની મદદથી પેસેન્જરને નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.