ભાવનગરમાં સવારે 34 કિ.મી.ની ઝડપે સુસવાટા મારતો પવન ફૂંકાયો
- દિવસે ઠંડીનું જોર વધતા 48 કલાકમાં મહત્તમ તાપમાન સાડા ચાર ડિગ્રી ઘટયું
- ટાઢાબોળ પવનથી શહેરીજનો ઠંડીમાં ઠુંઠવાયા, બપોરે પવનની ઝડપ ઘટીને 20 કિ.મી. પ્રતિકલાકની થઈ, રાતના તાપમાનમાં આંશિક વધારો : આગામી બે દિવસ રાતનું તાપમાન બેથી ત્રણ ડિગ્રી નીચે જવાની સંભાવના
ભાવનગર : ભાવનગરમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. રાત્રે ધુ્રજાવતી ઠંડી પડી હોવા છતાં તાપમાનમાં આંશિક વધારો નોંધાયો હતો. તો સવારના સમયે ૩૪ કિ.મી.ની ઝડપે સુવાટા મારતો ઠંડો પવન ફૂંકાતા શહેરીજનો ઠંડીમાં ઠુંઠવાયા હતા. ટાઢાબોળ પવનના કારણે દિવસનું તાપમાન એક ડિગ્રીથી વધુ નીચે સરક્યું હતું.
શહેરમાં છેલ્લા બે દિવસથી ઠંડીનું જોર ફરી વધવા લાગ્યું છે. જેના પરિણામે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. રાત્રિના સમયે હળવા પવનની સાથે ઠારનું વર્ચસ્વ રહેતા મોટાભાગના રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા હતા. જો કે, ઠંડીની અસર વધુ રહી હોવા છતાં ૦.૨ ડિ.સે.ના વધારા સાથે લઘુતમ તાપમાન ૧૩.૮ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સપ્તાહના બીજા દિવસે આજે મંગળવારે સવારથી જ વાયુદેવનો અલગ મિજાજ જોવા મળ્યો હતો. સવારના સમયે ૩૪ કિ.મી.ની ઝડપે ધૂળની ડમરીઓ ઉડાડતો ઠંડો પવન ફૂંકાયો હતો. જેના કારણે લોકોએ બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. બપોર પડતા પવનની ઝડપ ધીમી પડીને ૨૦ કિ.મી. પ્રતિકલાકે પહોંચી ગઈ હતી. પરંતુ વાતાવરણ ઠંડુગાર જેવું થઈ જતાં નાગરિકોએ ગરમ વસ્ત્રો પહેરી રાખવા પડયા હતા. ઠંડીમાં થયેલા વધારાના પગલે ૨૪ કલાકમાં મહત્તમ તાપમાન ૧.૧ ડિગ્રી ઘટીને ૨૫.૭ ડિગ્રીએ પહોંચી ગયું હતું. તો છેલ્લા ૪૮ કલાકમાં દિવસનું તાપમાન ૪.૫ ડિગ્રી ઘટી ગયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે ૬૬ ટકા હતું. તે બપોર થતાં ઘટીને ૩૪ ટકા નોંધાયું હતું. હજુ આગામી બે દિવસ રાતનું તાપમાન બેથી ત્રણ ડિગ્રી નીચે જઈ શકે તેવી રાજ્યના હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે.