જામનગરમાં મોડી રાત્રે જૂથ દ્વારા માથાભારે શખ્સના મકાન પર હલ્લો કરી મકાન સળગાવવાની કોશિશ કરાતાં ભારે દોડધામ
Jamnagar : જામનગરમાં પટણીવાડ વિસ્તારમાં રહેતા ફારૂક પટણી ઉર્ફે બિરાદર નામના શખ્સના ઘર ઉપર ગઈકાલે પથ્થર મારો અને સોડા બાટલીના ઘા થયા હતા.
એક જૂથ દ્વારા મોડી રાત્રે હલ્લો બોલાવી દઈ પથ્થરમારો અને સોડા બાટલીના ઘા કરાયા હતા, ઉપરાંત મકાનનો દરવાજો ખોલીને મકાનને સળગાવવાનો પ્રયાસ પણ કરાયો હતો. જે બનાવને લઈને ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
ઉપરોકત બનાવ સંદર્ભમાં પોલીસને જાણ થવાથી સીટી એ. ડિવિઝનનો પોલીસ કાફલો બનાવના સ્થળે દોડી ગયો હતો, અને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. મકાનમાં જોકે આગ તુરત જ ઠરી ગઈ હતી, તેમજ આ બનાવમાં કોઈ ઇજાગ્રસ્ત બન્યું નથી. જોકે હજુ સુધી આ સંદર્ભમાં કોઈ પોલીસ ફરિયાદની કાર્યવાહી થઈ નથી, પરંતુ પટણીવાડ વિસ્તારમાં પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.