લોધિકાનાં રાવકી ગામે 19 લાખનો દારૂ ભરેલું ગોડાઉન મળ્યું, 1 ઝબ્બે
થર્ટી ફર્સ્ટે કમાઈ લેવા દારૂના ધંધાર્થી મેદાનમાં રાજસ્થાનના શખ્સનું નામ ખૂલતાં શોધખોળ, દારૂ સહિત કુલ રૂા. 22 લાખનો મુદ્દામાલ કબજે કરાયો
રાજકોટ, : થર્ટી ફર્સ્ટ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને કમાઈ લેવા બુટલેગરો મેદાનમાં આવી ગયા છે. ત્યારે આવા દારૂના ધંધાર્થીઓ પર પોલીસે ઘોંસ શરૂ કરી છે. લોધીકાના રાવકી ગામે દરોડો પાડી લોધીકા પોલીસે રૂા. 19 લાખનો દારૂનો જથ્થો ભરેલા ગોડાઉનમાથી રાજસ્થાની શખ્સને પકડી લઈ કાર્યવાહી શરૂ કરી છે.
લોધીકાના રાવકી ગામે પેટ્રોલ પંપ સામેના રસ્તે ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ગોડાઉનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે લોધીકાના પી.એસ.આઈ. કે. વી. પરમાર સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો. ગોડાઉનમાં તપાસ કરતા ત્યાંથી રૂા.19.20 લાખની કિંમતની દારૂની 400 પેટીઓ એટલે કે 19200 નંગ દારૂની બોટલો મળી આવતા દારૂ ઉપરાંત મીની ટ્રક, એક ટુ વ્હીલર, ફોન સહિત કુલ રૂા. 22.05 લાખનો મુદ્દામાલ કબજે કરી ત્યાં હાજર અનીલ આસુરામ બિસ્નોઈ (ઉં.વ.૨૩, રહે.ચીતલવાના, જી.જાલોર, રાજસ્થાન) નામના શખ્સની ધરપકડ કરી હતી. પુછપરછમાં પ્રકાશ ઉર્ફે અનીલ શાહુ (રહે.ડેડવા, તા.જી.સાચોટ, રાજસ્થાન)નું નામ ખુલતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે આ દારૂનો જથ્થો પ્રકાશ ઉર્ફે અનીલે મંગાવ્યો હતો. ધરપકડ કરાયેલ આરોપી અનીલ તેને ત્યાં કામ કરે છે. જે સ્થળે દારૂ મળ્યો તે ગોડાઉન જીજ્ઞોશભાઈ (રહે.રાજકોટ)નું છે અને ભાડા કરારથી આરોપીને આપ્યાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. હાલ ફરાર પ્રકાશની શોધખોળ જારી રખાઈ છે.