તારા લીધે મારી પત્ની છુટાછેડા આપી રહી છે..! જામનગરમાં યુવતી પર પાડોશીએ કર્યો હુમલો
Jamnagar Attack on Girl : જામનગરમાં અશોક સમ્રાટ નગર વિસ્તારમાં રહેતી મરાઠી યુવતી પર તેના પાડોશમાં જ રહેતા એક શખસે છરી વડે હુમલો કર્યો. હુમલાખોર યુવતીને કહ્યું હતું કે, 'તું મારી પત્ની વચ્ચે ઝઘડો કરાવે છે, જેથી અમારા છૂટાછેડા થઈ રહ્યા છે, જેમાં તું નિમિત બની છે'. શખસે યુવતીના ડોક, હાથ તથા પેટના ભાગે છરીના ત્રણ ઘા જીકી દીધા હતા. આથી યુવતિને ઈજાગ્રસ્ત હાલતમાં જીજી હોસ્પિટલમાં દાખલ કરાઈ છે, જેણે ત્રણ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
યુવતીએ નોંધાવી પોલીસ ફરિયાદ
જામનગરના અશોક સમ્રાટ નગરમાં રહેતી સંગીતાબેન રાજુભાઈ ગોષ્ઠિ નામની 25 વર્ષની મરાઠી યુવતી કે જેણે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, 'તેના પાડોશમાં જ રહેતો એલબો ડાડો નામનો વ્યક્તિ ઘરમાં છરી સાથે ધસી આવ્યો હતો. આ સમયે તેની સાથે આવેલા છત્રપાલસિંહ નામના વ્યક્તિએ પોતાને પકડી રાખી હતી, જ્યારે એલબા ડાડાએ પોતાના હાથમાં, પેટમાં અને ગળાના ભાગે છરીના ત્રણ ઘા મારી ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ અજિતબાપુ નામના ત્રીજો શખ્સ કે જેના મકાનમાં પોતે ભાડેથી રહે છે, તેણે મદદ પણ આ લોકોને મદદ કરી બતી, અને મકાનનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો, હુમલા બાદ ત્રણે ભાગી છુટ્યા હતા'.
યુવતીને હોસ્પિટલમાં કરાઈ દાખલ
આ બનાવ બાદ સંગીતાબેનને જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં સારવાર અપાઇ છે, જ્યારે તેને પોતાના ઉપર છરી વડે હુમલો કરવા અંગે એલબો ડાડો, તેમજ મદદ કરી કરવા અંગે છત્રપાલસિંહ તેમજ અજીત બાપુ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી એલબો ડાડો કે જેની પત્ની સાથે પોતાને ઝઘડો થયો હોવાથી અને પત્ની છુટાછેડા લેવાનું કહેતી હોવાથી પોતે સંગીતાબેન તેમાં નિમિત હોય અને તેની પત્નીને ચડામણી કરી રહી છે, તેવો આક્ષેપ કરીને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. પોલીસ ત્રણે આરોપીઓને શોધી રહી છે.