Get The App

વિસાવદરમાં સવારના પહોરમાં શાળાએ જતી વિદ્યાથનીનું કારમાં અપહરણ

Updated: Dec 27th, 2023


Google NewsGoogle News
વિસાવદરમાં સવારના પહોરમાં શાળાએ જતી વિદ્યાથનીનું કારમાં અપહરણ 1 - image


અપહરણની ઘટનાથી ભયનો માહોલ, ઘટના CCTVમાં કેદ : 3 વિદ્યાર્થિની શાળાએ જતી હતી ત્યારે બે શખ્સ નંબરપ્લેટ વગરની કારમાં બળજબરીથી ઉપાડી ગયા, પોલીસની ટીમ દ્વારા તપાસ

જૂનાગઢ, : વિસાવદરમાં રહેતી એક તરૂણી આજે સવારે બહેનપણીઓ સાથે શાળાએ જતી હતી. ત્યારે નંબર પ્લેટ વગરની કારમાં આવેલા બે યુવક એક વિદ્યાથનીને બળજબરીથી કારમાં બેસાડી અપહરણ કરી નાસી ગયા હતા. આ અંગે જાણ થતાં પોલીસે વિવિધ ટીમ બનાવી કારની શોધખોળ શરૂ કરી હતી. એક શખ્સની ઓળખ થઈ ગઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ બનાવથી લોકોમાં ભય ફેલાયો હતો. આ મામલે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

આ અંગેની વધુ વિગત મુજબ વિસાવદરમાં રહેતી એક 15 વર્ષ અને 4 માસની તરૂણી આજે સવારે સાડા સાત વાગ્યે આસપાસ પોતાની બે બહેનપણી સાથે શાળાએ જતી હતી. ત્યારે શહેરની મુખ્ય બજારમાં પહોચી ત્યારે એક નંબરપ્લેટ કે નામ વગરની સફેદ કલરની સ્વીફ્ટ કારમાં બે શખ્સ આવ્યા હતા. શાળાએ જતી તરૂણ વયની વિદ્યાથનીઓ પાસે કાર ઉભી  રાખી હતી. આ વિદ્યાથનીઓ કઈ સમજે એ પૂર્વે એમાંથી બે શખ્સે ઉતરી એક તરૂણીને ધમકી આપી બળજબરીપૂર્વક  ધક્કા મારી કારમાં બેસાડી દીધી હતી. વહેલી સવારનો સમય હોવાથી લોકોની અવર-જવર ઓછી હતી. પરંતુ આ વિદ્યાથનીઓ સાથે રહેલી અન્ય વિદ્યાથનિઓ ગભરાઈ ગઈ હતી. એક વ્યક્તિએ બુમાબુમ સાંભળી કાર તરફ જવા પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં તો આ શખ્સોએ તરૂણીને કારમાં અપહરણ કરી જૂનાગઢ તરફ નાસી ગયા હતા.

સાથે રહેલી બે  વિધાથનીઓએ અપહયત તરૂણીના પરિવારને જાણ કરી હતી. બંને વિદ્યાથની પણ ગભરાઈ ગઈ હોવાથી પ્રથમ તો સ્પષ્ટ વર્ણન કરી શકી ન હતી. તરૂણીના પરિવારે જાણ કરતા વિસાવદર પોલીસે કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી પોલીસે મુખ્ય બજારમાં સીસીટીવી કેમેરા ચેક કરતા તેમાં અપહરણની સમગ્ર  ઘટના કેદ જોવા મળી હતી. પોલીસે વિવિધ ટીમ બનાવી જૂનાગઢ તરફ રવાના કરી હતી.

આ અંગે વિસાવદર પી.આઈ. આર.બી.ગઢવીએ જણાવ્યું હતું કે, તરૂણીનું અપહરણ કરનાર જૂનાગઢનો જય મયુર સુખાનંદી હોવાનું નામ સામે આવ્યું છે. જ્યારે અન્ય એક અજાણ્યો શખ્સ છે. હાલ તરૂણીના પિતાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે. સવારના પહોરમાં બહેનપણી સાથે શાળાએ જતી તરૂણીના અપહરણની ઘટનાથી શહેરમાં ભય ફેલાયો હતો અને દિવસભર આ મુદે ચર્ચા વ્યાપી હતી. અપહરણ કરનારાઓ હાથવેંતમાં હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.


Google NewsGoogle News