દમણના ડાભેલ ગામનો કિસ્સો, લિવ ઈન રિલેશનમાં રહેતી યુવતીએ યુવાન પર ચપ્પુના ઘા ઝીંકતા મોત
યુવાન વતન ઝારખંડ જવાનો હોવાથી ઝઘડો કરી હુમલો કર્યો, યુવતી છુટાછેડા બાદ આ યુવાન સાથે રહેતી હતી
Image Twitter |
દમણના ડાભેલ વિસ્તારમાં આવેલી ચાલીમાં લિવ ઈન રિલેશનશિપમાં રહેતા યુવક-યુવતી વચ્ચે થયેલા ઉગ્ર ઝઘડામાં ઉશ્કેરાયેલી યુવતીએ યુવાન પર ચપ્પુથી હુમલો કરતા તેનું મોત થયું હતું. યુવતના મોત પછી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી જતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. યુવાન એકલો વતન જવાનો હોવાથી યુવતીએ ગુસ્સે થઈને ઝઘડો કર્યો હતો.
પોલીસે યુવતીની ધરપકડ કર્યા બાદ શનિવારે કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
દમણ પોલીસને શુક્રવારે દમણના ડાભેલ વિસ્તારમાં વિષ્ણુભાઈની ચાલીમાં રૂમ નંબર 74માં હત્યાની માહિતી મળી હતી. જેને પગલે પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ રૂમમાંથી યુવાનની લાશ મળી આવી હતી. યુવાનના શરીર પર ઉપરા-છાપરી ચપ્પુના ઘા ઝીંકાયા હતા. ત્યારે રૂમમાં હાજર સૂતા માર્ડી (ઉ.વ.૩૫)ની પૂછપરછ કરતા તેણે જ આ હત્યા કર્યાનું ખૂલ્યું હતું.
છુટાછેડા બાદ છેલ્લા છ મહિનાથી રાજિન્દ્ર રે (ઉં.23) સાથે લિવ ઈન રિલેશનમાં હતી યુવતી
વાત એમ હતી કે તેના છુટાછેડા થઈ ગયા હતા. બાદમાં તે છેલ્લા છ મહિનાથી રાજિન્દ્ર રે (ઉં.23) સાથે લિવ ઈન રિલેશનમાં હતી. રાજિન્દ્ર ઝારખંડ જવાનો હતો. તેથી સૂતાને લાગ્યું કે રાજિન્દ્ર પણ તેને છોડીને જતો રહેશે. આ વાતનો ઝઘડો અત્યંત ઉગ્ર થઈ જતાં સૂતાએ રાજિન્દ્ર પર ચપ્પુથી હુમલો કર્યો હતો.
નોંધનીય છે કે, પોલીસે મૃતદેહ મરવડ સરકારી હોસ્પિટલમાં મોકલી દીધો છે. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને સૂતા માર્ડીની ધરપકડ કરી હતી.