યુવા-યુવતીઓને નોકરી અપાવી દેવાની લાલચ આપી નાણાં ખંખેરતી ટોળકી ઝડપાઈ
ગીર સોમનાથ પોલીસે બોગસ કોલલેટર, નિમણૂક પત્ર આપતાં 3 શખ્સને પકડી પાડયા : ગાંધીનગર ખાતે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે ઓળખાણ હોવાની મોટી મોટી વાતો કરી 25 યુવા - યુવતીઓની પાસેથી 99 લાખની રકમ ખંખેરી લીધાની પ્રાથમિક વિગત
વેરાવળ, : રાજ્યની વિવિધ એકેડેમીઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા આવતા યુવાનો અને યુવતીઓને કન્ફર્મ નોકરી અપાવી દેવાની લાલચ આપી તગડી રકમ પડાવી લેતી ત્રણ શખ્સોની ટોળકીને ગિર સોમનાથ એલ.સી.બી પોલીસે પકડી પાડી છે. પ્રાથમિક વિગત મુજબ આ ટોળકીએ જુદા જુદા 25 યુવા યુવતીઓ પાસેથી 99 લાખથી વધુની રકમ પડાવી લીધી છે.
યુવા યુવતીઓને તગડા પગારની સરકારી નોકરીઓ માટે ઘેલુ લાગ્યુ છે અને વાલીઓ કોઈ પણ હિસાબે સરકારી નોકરી મળે એ માટે આકાશ પાતાળ એક કરતા હોય છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના મોરૂકા ગીર ગામના કાનજીભાઈ જીવાભાઈ વાળાએ સુત્રાપાડા પોલીસ મથકમાં ફરિયાદ આપી ઘંટિયા પ્રાચી તા.સુત્રાપાડાના જેઠાભાઈ ઉર્ફે સુભાષ બચુભાઈ ચુડાસમા, જુનાગઢની મધુરમ મંગલધામ સોસાયટીમાં રહેતા એક્સ આર્મી મેન હરસુખલાલ પુનાભાઈ ચૌહાણ, મહેસાણા જિલ્લાના કડી ગામે રહેતા નિલકંઠકુમાર જયંતિલાલ પટેલ ઉર્ફે પિન્ટુ પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ત્રણેયની પોલીસે ધરપકડ કરી લીધી છે. વિશેષ વિગત એ છે કે ફરિયાદ કરનારા કાનજીભાઈ વાળાના સગા ઘંટિયા ગામે આવેલી જયોતિબા ફુલે એકેડેમીમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા જતા હતા એ વખતે કાનજીભાઈ એમના દીકરાઓને નોકરી માટે માર્ગદર્શન માટે ગયા હતા. એ વખતે જેઠા ઉર્ફે સુભાષે એમ કહ્યું હતુ કે તે આરોગ્ય ખાતામાં નોકરી કરે છે અને જયોતિબા ફૂલે એકેડેમીનો સંચાલક છે. તેણે કાનજીભાઈને એમની દીકરીને નોકરી અપાવી દેવાની ગેરન્ટી આપી હતી. એ પછી મોબાઈલમાં પોલીસ દોડની પરીક્ષામાં નાપાસ થયેલી યુવતીનો પાસ થઈ હોય એવો સિકકવાળો લેટર બતાવી અભિભુત કરી દીધા હતા અને વિશ્વાસ બેસાડી દીધો હતો. એ પછી રૂા. ૬ લાખની માગણી કરી હતી જે ત્રણ લાખમાં નક્કી કરી એક લાખ રૂપિયા કાનજીભાઈ પાસેથી એડવાન્સ લીધા હતા.
આ પછી એમની જાળ વિસ્તારી હતી. કાનજીભાઈના પાંચ સગાઓ પાસેથી સાત -સાત લાખ રૂપિયા લીધા હતા અને તા.૨૧મી માર્ચના રોજ 'વેરિફિકેશન માટે હવે આપણે ગાંધીનગર કર્મયોગી ભવનમાં જવાનું છે' એમ કહી અર્ટિગા ગાડી લઈને ગાંધીનગર લઈ ગયેલો અને સચિવાલય સેવા કારકુન-સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ સંવર્ગ -3ની ભરતીનો લેટર આપ્યો હતો. બાદમાં જૂનાગઢ કલેકટર ઓફિસ મહેસુલ વિભાગનો નિમણુક પત્ર આપી જુનાગઢ કલેકટર કચેરીએ તમામને લઈ ગયો હતો ત્યાં જૂનાગઢનો નિવૃત આર્મીમેન હરસુખલાલ પુનાભાઈ ચૌહાણને નિમણુકપત્રો આપી દેવાનુુ કહી ત્યાં તમામને ઉભા રાખી સુભાષ અને હરસુખે કહ્યુ કે કલેકટર સાહેબના બંગલે મળવા જઈએ છીએ એમ કહીને જતા રહ્યા હતા. બાદમાં ફોનમાં નોકરી બાબતે બહાના બતાવવા લાગ્યા હતા. આથી ફરિયાદીને વિશ્વાસ ઉડી ગયો હતો અને નાણા પરત માંગવા લાગ્યા હતા. જેથી તેને ચેક આપ્યો હતો જો કે આ ચેક રિટર્ન થયો હતો.
અભિભૂત કરવા સુભાષ ગાંધીનગર લઈ જતો, પિન્ટુ ખોટા નિમણૂક પત્ર બનાવતો
આ લોકો જે નોકરીએ લાગ્યા હોય એના નોકરીના નિમણુક પત્રો બતાવી શિકાર કરતા હતા. સુભાષ આવા લોકોને ગાંધીનગર ધક્કા ખવડાવતો હતો. નિવૃત ફોજી હરસુખલાલ પુનાભાઈ ચૌહાણ એના એજન્ટ તરીકે કામ કરતો હતો. જયારે પિન્ટુ સરકારી નોકરીના ખોટા નિમણુક પત્રો બનાવી પૈસા પડાવવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે.