mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

રાજસ્થાનની લૂંટારૂ ટોળકી બગવાડામાં ગુનાને અંજામ આપે તે પહેલા ઝડપાઇ ગઇ

Updated: Jun 26th, 2024

રાજસ્થાનની લૂંટારૂ ટોળકી બગવાડામાં ગુનાને અંજામ આપે તે પહેલા ઝડપાઇ ગઇ 1 - image


LCB એ સ્વિફ્ટ કાર સાથે 6ને ઝડપી દાગીના અને લૂંટ કરવાના સાધનો કબજે લીધા : વલસાડ, કચ્છ, સુરેન્દ્રનગરમાં ઘરફોડ ચોરીની કબૂલાત

વલસાડ,  રાજકોટ : સફેદ કલરની સ્વીફટ કારમાં શંકાસ્પદ ધાડપાડુ ગેંગ ચોરી કરવાના સાધનો સાથે બગવાડા વિસ્તારમાં આંટાફેરા મારતી હોવાનું અને કોઈ બંગલામાં ધાડ પાડવાની પેરવી કરી રહી હોવાની બાતમી આધારે વલસાડ એલસીબી પોલીસે રાજસ્થાનના ત્રિપલ મર્ડર કેસના આરોપી સહિત છને પકડીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ જેલભેગા કરાયા છે.  તેમની પાસેથી કુલ રૂ.૧૨ લાખનો મુદ્દામાલ કબજે લેવાયો હતો.

 થોડા મહિનાથી વલસાડ જીલ્લા હદ વિસ્તારમાં રાત્રી ઘરફોડ ચોરીના બનાવો વધતા વલસાડ એલસીબીની ટીમના પેટ્રોલીંગ દરમિયાન અ.હે.કો, સહદેવસિંહ રાઠોડ અને કુલદીપસિંહ ઝાલાને મળેલી સંયુકત બાતમી આધારે બગવાડા વિસ્તારમાં સફેદ કલરની સ્વીફટ કાર (નં.આરજે-૩૬-સીબી-૨૫૩૭) અને તેમાં શકમંદ શખ્સો જોવા મળતા ઝડપી લીધા હતા. તેમની પાસેથી આધાર પુરાવા વગરના સોના-ચાંદીના દાગીના તથા ચોરી-લૂંટ કરવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો મળી આવતા તમામની સઘન પુછપરછ કરતા તેઓ બગવાડા વિસ્તારમાં કોઇ બંગલામાં ધાડ પાડી લૂંટ કરવાના ઇરાદાથી આવ્યા હતા.

તેમજ ઘરના માણસોને બંધક બનાવી હથિયારો વડે ડરાવી ધમકાવી ધાડ પાડી લૂંટ કરવાનો પ્લાન હોવાની કબૂલાત કરી હતી. જેથી તમામ સામે એલસીબી પોસઇ જે.બી.ધનેશાએ પારડીમાં ફરિયાદ નોંધાવી આરોપીઓનો કબજો સોંપ્યો હતો. પોલીસે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મેળવી પુછપરછ હાથ ધરી હતી. આરોપીઓએ વલસાડ, કચ્છ, સુરેન્દ્રનગરમાં ઘરફોડ ચોરી અને લૂંટના ગુના આચાર્યાની કબૂલાત કરી હતી. 

આ ગેંગ કર્ણાટક, મધ્ય પ્રદેશ, રાજસ્થાનનાં અનેક ગુનાઓમાં સંડોવાયેલી છે. તેમજ આરોપી દિનેશ જગદિશપ્રસાદ ગોપીલાલ માલી રાજસ્થાનના ભીલારા પો.સ્ટે.ના ત્રિપલ મર્ડર કેસમાં પકડાયેલો હતો. આરોપીઓના રિમાન્ડ પુર્ણ થતા જેલ કસ્ટડીમાં મોકલીને પોલીસે વધુ તપાસ જારી રાખી છે.

Gujarat