રાજકોટમાં 1.95 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ફ્રૂટનો વેપારી ઝડપાયો
અગાઉ પણ બે વખત ડ્રગ્સના કેસમાં પકડાયેલો છે ગાંજા બાદ સૌથી વધુ મેફેડ્રોન ડ્રગ્સનું ચલણ : અમદાવાદના સપ્લાયરનું નામ ખૂલ્યું
રાજકોટ, : શહેરમાં છાશવારે પકડાતા માદક પદાર્થોને કારણે સ્પષ્ટ થઈ ગયું છે કે તેનો વપરાશ પણ વધી ગયો છે. શહેરમાં સૌથી મોટા પ્રમાણમાં ગાંજા બાદ મેફેડ્રોન કે જે એમડી ડ્રગ્સ તરીકે ઓળખાય છે તે પકડાય છે. ગઈકાલે એસઓજીએ 19.92 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે જલાલમીયા તાલબમીયા કાદરી (ઉ.વ. 51, રહે. બજરંગવાડી શેરી નં.2, ટાવર નીચે, જામનગર રોડ)ને ઝડપી લઈ તપાસ આગળ ધપાવી છે.
એસઓજીના પીઆઈ એસ.એમ. જાડેજા અને પીએસઆઈ એમ.બી. માજીરાણાએ મળેલી બાતમીના આધારે જામનગર રોડ પર નવી કોર્ટ બિલ્ડીંગની સામેના કાચા રસ્તા પરથી એકટીવા ઉપર પસાર થયેલા જલાલમીયાને અટકાવી તેની અંગઝડતી લેતાં 19.52 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની કિંમત એસઓજીએ રૂા. 1.95 લાખ ગણી હતી. વાહન અને મોબાઈલ સહિત કુલ રૂા. 2.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.
એસઓજીને તપાસ કરતાં જાણવા મળ્યું કે જલાલમીયા વર્ષોથી ફ્રૂટની રેંકડી કાઢે છે. થોડા સમયથી તેણે કાપડનો ધંધો પણ શરૂ કર્યો હતો. તે પોતે પણ અગાઉ ડ્રગ્સના રવાડે ચડી ગયો હતો. જેને કારણે તેણે બાદમાં ડ્રગ્સ વેચવાનું શરૂ કરી દીધું હતું. ડ્રગ્સ અમદાવાદના શખ્સ પાસેથી લઈ આવ્યાનું બહાર આવ્યું છે. એટલું જ નહીં તેના વિરૂધ્ધ અગાઉ માદક પદાર્થના બે કેસો પણ નોંધાયા છે. આમ છતાં તેનાથી કોઈ ફરક ન પડયો હોય તેમ તેણે ડ્રગ્સનો વેપલો ચાલુ રાખ્યો હતો.
એસઓજીને એવી શંકા છે કે તેના મોટાભાગના ગ્રાહકો બજરંગવાડી આસપાસના જ હોવા જોઈએ. તેણે અમદાવાદમાં જે શખ્સ પાસેથી ડ્રગ્સ ખરીદ કર્યું હતું તેને પકડવા માટે હવે ગાંધીગ્રામ-2 પોલીસ પ્રયાસો કરશે. આ ઉપરાંત છેલ્લા કેટલાં સમયથી ડ્રગ્સનો વેપલો કરે છે તે સહિતના મુદ્દે પણ ગાંધીગ્રામ-2 પોલીસ તપાસ કરશે.