ટ્રેનિંગ વખતે જ તોપગોળો ફાટતાં ગુજરાતનો અગ્નિવીર શહીદ, જામકંડોરણામાં માતમ પ્રસર્યું
છ મહિના પહેલા સિલેકટ થયેલા આશાસ્પદ યુવાનની ચીરવિદાયથી શોકનું મોજું
પાર્થિવદેહને માદરે વતન લાવીને અંતિમ દર્શન બાદ આન-બાન શાન સાથે અંતિમવિધિ કરાઈ,
તોપ ચલાવવાની પ્રેક્ટિસ સમયે બ્લાસ્ટમાં 3 અગ્નિવીરો ગંભીર રીતે ઘવાયા, તપાસ માટે ખાસ કમિટી નિયુક્ત
Gujarat Agniveer News | મહારાષ્ટ્રનાં નાસિક ખાતે અગ્નિવીરની તાલીમ સમયે બે દિવસ પહેલા ઈન્ડિયન ફિલ્ડ ગન (તોપ)માંથી ગોળો ફેંકતી વખતે અચાનક બ્લાસ્ટ થતાં બે તાલીમાર્થીએ જીવ ગુમાવ્યા હતાં, જેમાં જામકંડોરણા પંથકનાં આંચવડ ગામનાં વિશ્વરાજસિંહ મહિપતસિંહ ગોહિલ (ઉ.વ.20) પણ શહીદ થતાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું છે.
આ ઘટના અંગે નાસિક આર્ટીલરી સેન્ટરનાં અધિકારીએ જણાવ્યું કે, શહીદ વિશ્વરાજસિંહ ગોહિલ ગત એપ્રિલ 2024 માં અગ્નિવીર તરીકે હૈદ્રાબાદ ખાતે સિલેકટ થઈન તાલીમ માટે નાસિક આવ્યો હતો. ગત ગુરૂવારે બપોરે 12 વાગ્યે દેવકાલી ફાયરિંગ રેન્જમાં તોપથી ગોળા ફાયર કરવાની પ્રેક્ટિસ સમયે બ્લાસ્ટ થતાં વિશ્વજીતસિંહ સહિત ત્રણ અગ્નિવીરો ગંભીર રીતે ઘવાયા હતાં. જેમાં વિશ્વજીતસિંહ અને બીજા એક સાથી દારનું મૃત્યું નિપજયું હતું. આ ઘટનાની તપાસ માટે ખાસ કમિટીની રચના કરવામાં આવી છે. બન્ને અગ્નિવીરોનાં પરિવારને દુર્ઘટના વીમો અને અન્ય નિયત સુવિધા પૂરી પાડવામાં આવશે. મૃતક વિશવરાજસિંહનાં પરિવારમાં માતા - પિતા અને એક નાનો ભાઈ છે. પિતા ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.