ગેમઝોનમાં આગ લાગ્યાના થોડા દિવસ પહેલા જ TPનો સ્ટાફ ત્યાં ગયો હતો
ભાજપના કોર્પોરેટરની પુછપરછ કરીને પોલીસે જવા દીધા : કોર્પોરેટર નિતીન રામાણીએ પોતાને પ્રકાશ જૈન મળ્યાનું અને ઈમ્પેક્ટ ફી હેઠળ નિયમબધ્ધ કરાવવા ભલામણ કર્યાનું નિવેદન નોંધતી પોલીસ
રાજકોટ, : રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડ અન્વયે તપાસનીશ સિટ દ્વારા ગત રાત્રિના ભાજપના વોર્ડ નં. 13ના કોર્પોરેટર નિતીન રામાણીની બે કલાક સુધી પુછપરછ કરીને તેનું નિવેદન નોંધવામાં આવ્યુ ંહતું અને બાદમાં તેને જવા દેવાયેલ છે. આ નિવેદનની વિગતો પોલીસે જાહેર નથી કરી પરંતુ, કોર્પોરેટરની પુછપરછ કરતા જણાવ્યું કે આગ લાગ્યાના વીસેક દિવસ પહેલા ઈમ્પેક્ટ ફીની અરજી કર્યા બાદ ટી.પી.નો સ્ટાફ ત્યાં સ્થળ તપાસ કરવા માટે પણ ગયો હતો તેવું તેને જાણવા મળ્યું હતું.
પોલીસ સમક્ષ નિતીન રામાણીએ સ્વીકાર્યું કે ગેમઝોનના એક પાર્ટનર વી.ડી. તેમને ઓળખતા હોય અને પોતે જાહેર જીવનમાં હોય ભલામણ કરતા પ્રકાશ જૈન ત્યાં પોતાની ઓફિસે આવેલ અને આ બાંધકામ અંગે અને તેને ઈમ્પેક્ટ ફી હેઠળ રેગ્યુલરાઈઝ્ડ કરાવવા વાત કરી હતી. જેથી તેણે નિરવ વરુ નામના આર્કિટેક્ટ એન્જિનિયરને આ કામ કરી આપવા ભલામણ કરી હતી. અગાઉ પણ તેમણે નિરવને આવા કામ સોંપ્યા હતા. આ વખતે કોર્પોરેટરને એ પણ જાણ થઈ હતી કે આ બાંધકામ ગેરકાયદેસર હોય તે તોડી પાડવા માટે મહાપાલિકાએ નોટિસ પણ આપી છે. દરમિયાન આ આર્કિટેક્ટનો સંપર્ક સાધવા પ્રયાસ કરતા તેનો ફોન નંબર સતત સ્વીચઓફ આવે છે.
ભાજપના આ કોર્પોરેટર કે સિટના સૂત્રોએ આ તપાસ દરમિયાન કોઈ આરોપીઓએ હજુ સુધી કોઈ નેતાઓના નામ આપ્યા નહીં હોવાનું જણાવે છે. જો કે ભાજપના કોર્પોરેટરની આ ગેમઝોન માટે ભલામણમાં અન્ય કોઈ પદાધિકારી સામેલ હતા કે કેમ તે અંગે તેની પુછપરછ નહીં થયાનું પણ જાણવા મળે છે.