સ્કૂટર પાર્ક કરીને ઉભેલા પરિવારને ટ્રકે હડફેટે લેતાં પિતા-પુત્રનું મોત
સુત્રાપાડાના લાટી ગામે વળાંકમાં બનેલો બનાવ આખા પરિવારને ઈજા થતાં માતા : બે દીકરીઓને ગંભીર હાલતમાં સારવારમાં ખસેડયા ,ઘટના બાદ ટ્રક ચાલક ટ્રક રેઢો મૂકી નાસી છુટયો
વેરાવળ, : સુત્રાપાડામાં રામેશ્વર મંદિરના બંદર વિસ્તારમાં રહેતો એક પરિવાર શીતળા માતાજીના મંદિરે દર્શન કરવા જતો હતો ત્યારે રસ્તામાં લાટી ગામે વળાંકમાં સ્કૂટર બંધ કરીને આ પરિવાર ઉભો હતો એ વખતે કાળ બનીને આવેલા ધસમસતા ટ્રકે સ્કૂટર સમેત તમામને હડફેટે લેતાં કમનસીબ બનાવમાં પિતા-પુત્રના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જયારે બે પુત્રી અને એની માતાને ગંભીર ઈજા થતાં સારવારમાં ખસેેડયા છે.
બનાવની વધુ વિગત મુજબ સુત્રાપાડાના રામેશ્વર મંદિર નજીક બંદર વિસ્તારમાં રહેતા માછીમારીનો વ્યવસાય કરતા રમેશભાઈ જેઠાભાઈ રાઠોડ એક્ટિવા સ્કૂટર લઈને મીઠાપુર શીતળા માતાજીના મંદિરે દર્શન માટે પરિવાર સહિત નીકળ્યા હતા. આ વખતે ધસમસતા વેગે ધસી આવેલા એક ટ્રકે આ પરિવારને હડફેટે લેતાં તમામને ઈજા થઈ હતી. જેમાં પત્ની રામેશ્વરીબેન, દીકરી સારિકા, સરીતા, અને ત્રિલોકનો સમાવેશ થાય છે. આ ઘટનામાં તમામને સારવારમાં ખસેડયા હતા. જયારે ગંભીર ઈજાગ્રસ્ત રમેશભાઈ જેઠાભાઈ રાઠોડ અને એના પુત્ર ત્રિલોકના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.
આ બનાવ બનતા જ ટ્રક ચાલકે ટ્રકને રેઢો મુકીને નાસી ગયો હતો. આ ઘટનાના પગલે સુત્રાપાડા બંદર વિસ્તારમાં ભારે અરેરાટી અને ગમગીની ફેલાઈ ગઈ હતી. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. અને ટ્રક ડ્રાઈવરનીશોધખોળ ચાલુ કરી છે.