ઉપેક્ષિત ગાંધી જન્મસ્થાન વિશે ચૂપકિદી પાળીને જૂઠ્ઠી શ્રધ્ધાંજલિ
વૈષ્ણવ જન તો શાને કહીએ! મંત્રીઓએ પીડ પરાઈ ન જાણી! : પ્રજા માટે બંધ જન્મસ્થાન મંત્રીઓનાં ફોટોસેશન પૂરતું ખોલાયું, કીર્તિમંદિરે : પ્રાર્થનાસભામાં ભસ્, કેન્દ્રીય મંત્રીનાં ઠાલાં પ્રવચન
પોરબંદર, : બીજી ઓક્ટોબરે ગાંધી જયંતીના ઉપલક્ષ્યમાં પોરબંદરનાં કિર્તીમંદિરે આયોજિત સર્વધર્મ પ્રાર્થનાસભામાં મુખ્યમંત્રીએ અગાઉથી તૈયાર કરીને આપવામાં સરકારી સ્ક્રીપ્ટનું વાંચન કરી નાખ્યું હતું. આ પ્રસંગે રાજ્યના પાણી પુરવઠા મંત્રીએ અને કેન્દ્રીય મંત્રી એવા પોરબંદરના સાંસદે પણ હાજરી આપી હતી ત્યારે ગાંધીપ્રેમીઓને વિશેષતઃ એ બાબત ખૂંચી હતી કે વિલંબિત મરમ્મત કાર્યને લીધે પ્રજાજનો માટે ત્રણ વર્ષથી બંધ ગાંધી જન્મસ્થાન માત્ર મંત્રીઓની પુષ્પાંજલિ પૂરતું ખોલાયું પછી મંત્રીઓએ રિનોવેશન ઝડપભેર પાર પાડવા વિશે હરફ સુધ્ધાં નહીં ઉચ્ચારીને ઉપેક્ષિત ગાંધી જન્મસ્થળ પ્રત્યે આજે પણ અનદેખી જ કરી હતી! રાષ્ટ્રપિતાનાં જન્મસ્થાનના દર્શન પુનઃ ક્યારથી લભ્ય બનશે તે ફોડ ન પાડી ઠાલી શબ્દાંજલિ અર્પણ કરાતાં કચવાટ ફેલાયો હતો.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પિત કરી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે અહિંસા એ નમ્રતાની પરાકાષ્ઠા છે. સમગ્ર વિશ્વને અહિંસાનો રાહ ચિંધનાર પૂજ્ય બાપુનું જીવન એ જ એમનો સંદેશો છે. ભારતીય સંસ્કૃતિમાં પ્રાર્થનાનું અનેરૂં મહત્વ છે. પૂજ્ય મહાત્મા ગાંધીજી કહેતા કે, પ્રાર્થના આત્માનો ખોરાક છે. આત્મશુધ્ધિ માટે પ્રાર્થના ખૂબ જ જરૂરી છે. કીર્તિમંદિર આવીને વિશ્વભરનાં લોકો સર્વધર્મ પ્રાર્થનાના માધ્યમથી નવું બળ મેળવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીના વિચારોને આત્મસાત કરવા 10 વર્ષ પહેલા સ્વચ્છ ભારત મિશન શરૂ કર્યું તે દેશભરમાં ઘર ઘર સુધી પહોંચ્યું અને સ્વચ્છતા એ આપણો સ્વભાવ બને તે માટે પ્રેરણા મળી છે. ગાંધીજીના અંત્યોદયના મંત્ર સાથે તેમણે ગરીબો, ખેડૂતો, યુવાનો અને મહિલાઓને વિકસિત ભારતના ચાર સ્તંભ ગણાવ્યા હતા.