Get The App

રાજકોટમાં ક્રાઈમ બ્રાંચના નામે તોડ, નકલી પોલીસમેન ઝડપાયો

Updated: Jan 2nd, 2025


Google NewsGoogle News
રાજકોટમાં ક્રાઈમ બ્રાંચના નામે તોડ, નકલી પોલીસમેન ઝડપાયો 1 - image


હોટલમાંથી મહિલા મિત્ર સાથે બહાર નીકળેલા બંગાળી કારીગરને ડરાવી-ધમકાવી રૃા.૩૧ હજાર પડાવ્યા હતા

રાજકોટ :  રાજકોટમાં થર્ટી ફર્સ્ટની રાતે અવધ રોડ પરથી કારમાં પસાર થઈ રહેલા યુગલને આંતરી પોતાની પોલીસ તરીકે ઓળખ આપી, ડરાવી-ધમકાવી, અપહરણ કરી, મારકૂટ કરી, રૃા.૧૭૦૦ની લુંટ ચલાવી, ખંડણીની માંગણી કરનાર ગેંગને ગાંધીગ્રામ-ર પોલીસે ઝડપી લીધી છે ત્યાં વધુ એક નકલી પોલીસે રૃા.૩૧ હજારનો તોડ કર્યાનો બનાવ જાહેર થયો છે. જેના આધારે એ-ડિવિઝન પોલીસે તપાસ કરી આરોપી મિહીર ભાનુભાઈ કુગશીયા (ઉ.વ.ર૦, રહે. પોપટપરા, રામજી મંદિર પાસે)ને ઝડપી લીધો છે.

પોલીસ સૂત્રો પાસેથી  પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા નાકા પાસે શિવ પ્રતિમા એપાર્ટમેન્ટમાં રહેતો બંગાળી કારીગર મુરારીમોહન શત્રુધ્નદાસ (ઉ.વ.૪૪) ગઈ તા.૩૦ના રોજ સાંજે એસ.ટી. બસ સ્ટેન્ડ પાછળ આવેલ હોટલ મુનમાં મહિલા મિત્ર સાથે ગયો હતો. હોટલમાંથી બહાર નીકળતા જ આરોપીએ તેને અને તેની મહિલા મિત્રને અટકાવી પોતાની ક્રાઈમ બ્રાંચના માણસ તરીકે ઓળખ આપી કહ્યું કે તમે હોટલમાં કયા કામથી આવ્યા છો તે મને ખબર છે, તમે ગેરપ્રવૃતિ કરવા આવ્યા છો, તમારે પોલીસ સ્ટેશને આવવું પડશે, તમારા વિરૃધ્ધ ગુનો દાખલ થશે તેમ કહી ડરાવી-ધમકાવ્યો હતો.

જેને કારણે મુરારીમોહન ભયમાં મુકાઈ ગયો હતો અને તેણે સાહેબ અહીં જ પતાવોને તેમ કહેતાં તેની પાસેથી આરોપીએ રૃા.૧ર હજાર રોકડા પડાવ્યા હતા. જયારે રૃા.૧૯ હજાર એટીએમમાંથી કઢાવી લઈ લીધા હતા. આ રીતે આરોપીએ કુલ રૃા.૩૧ હજારનો તોડ કર્યો હતો.

જે ઘટના જાહેર થયા બાદ એ-ડિવિઝનના પીઆઈ બારોટ અને એએસઆઈ મહેશ લુવાએ તપાસમાં ઝુકાવ્યું હતું. આરોપી હોટલમાં પણ ગયો હોવાથી તેના સીસીટીવી ફુટેજ મેળવી તેના આધારે તેની ઓળખ મેળવી તેને ઝડપી લીધો હતો. રાત્રે પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી.

શહેરમાં પોલીસના નામે તોડની ઘટનાઓને ધ્યાનમાં લઈ ડીસીપી જગદિશ બાંગરવાએ લોકોને આ રીતે જો કોઈ શખ્સ પોલીસ તરીકેની ઓળખ આપી પૈસા માગે તો તેનું આઈકાર્ડ માગવા અને જરૃર પડે તો તત્કાળ પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે. આ ઉપરાંત જો અસલી પોલીસ પૈસા માગે તો તત્કાળ પોતાનો કે એસીબીનો સંપર્ક કરવા પણ અનુરોધ કર્યો છે. ઝડપાયેલા આરોપી મિહીરે આ અગાઉ પોલીસના નામે તોડપાણી કર્યા છે કે કેમ તે દિશામાં પણ પોલીસે હવે તપાસ હાથ ધરી છે.

 


Google NewsGoogle News