અમરેલીમાં ખાખી વર્દીમાં ફરતો નકલી પોલીસ જમાદાર પકડાયો
'નકલી'નો સિલસિલો હવે પોલીસ ખાતા સુધી પહોંચ્યો : મૂળ તાપી જિલ્લાનાં શખ્સ પાસેથી પોલીસ યુનિફોર્મ, ટોપી, બકલ વગેરે કબજે લઇને LCB ટીમ દ્વારા તપાસનો ધમધમાટ
અમરેલી, : રાજ્યમાં નકલી આઇપીએસ,જજ સહિતના નક્લીઓ ઝડપાયા બાદ અમરેલી શહેરમાં નકલી પોલીસ જમાદાર બનીને આંટા મારતો એક શખ્સ ઝડપાયો હતો.બસ સ્ટેન્ડ વિસ્તારમાં પોલીસ યુનિફોર્મ,કેપ,બકલ રાખી અસલી પોલીસ હોય તેવા વેશમાં ઉભેલ શખ્સ એલસીબીની ઝપટે ચડતા નકલી પોલીસ હોવાનું ખલ્યું હતું.આ શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અમરેલી શહેરમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં પોલીસના સ્વાંગમાં ઉભેલ એક શખ્સ ઝડપાયો હતો.જાણે અસલી પોલીસ કર્મચારી હોય તેવા યુનિફોર્મ,પોલીસ બેલ્ટ,પોલીસ કેપ અને બકલ પહેરી ફરતા શખ્સની પોલ ખુલી ગઈ હતી.આ શખ્સ એલસીબીની નજરે ચડતા શંકાના આધારે તેની પૂછપરછ કરવામાં આવતા પોલીસ ન હોવાની માહિતી સામે આવી હતી.જેથી મૂળ તાપી જિલ્લાના ચિતપુર ગામના રહેવાસી ઉમેશ રાહુલભાઇ વસાવા નામના 31વર્ષીય શખ્સની પોલીસે અટકાયત કરી હતી અને અન્ય વ્યક્તિઓ સાથે કોઈ છેતરપીંડી કે ફ્રોડ કરવામાં આવ્યો છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી હતી.જોકે હાલની તપાસમાં કોઈ ફ્રોડ ન થયો હોવાનું પોલીસે માહિતી આપી હતી.
તાપીના શખ્સને અમરેલીમાં નકલી પોલીસ બનીને ફરવું ભારે પડયું હતું.અમરેલી એલસીબીએ શખ્સને અમરેલી સિટી પોલીસે સોંપી તેની પાસેથી ગુજરાત પોલીસનો યુનિફોર્મ,પોલીસ કેપ,બેલ્ટ,બુટ તથા મોબાઈલ ફોન,રૂ.1000 રોકડ મળી કુલ રૂ. 4000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આ શખ્સની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી હતી.આ ઉપરાંત નાગરિકોને કોઈ ખોટી રીતે નુકશાન કે પરેશાન કર્યા છે કે કેમ તે અંગે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.તો આ નકલો પોલીસની ઘટના જિલ્લા પોલીસ વડા પણ ચૌકી ઉઠયા હતા અને આ ઘટનાની ગંભીરતા દાખવી નકલી પોલીસ તરીકે ફરતા શખ્સને એસપી કચેરીમાં બોલાવી અલગ અલગ દિશાઓમાં પૂછપરછ હાથ ધરી હતી.