ગ-૫ પાસે ડમ્પરે મોપેડ સવાર માતા-પુત્રીને અડફેટે લીધા : માતાનું મોત
ગાંધીનગરમાં વધતા જતા અકસ્માતો વચ્ચે
મહિલા નર્સ પુત્રી સાથે સેક્ટર-૨૪માં કામ પતાવીને પરત ચાંદખેડા જઈ રહ્યા હતા
ગાંધીનગર : ગાંધીનગર શહેરના માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે આજે સવારના સમયે શહેરના ગ-૫ પાસે મોપેડ ઉપર જઈ રહેલા માતા પુત્રીને પૂર ઝડપે જતા ડમ્પર અડફેટે લીધા હતા. જે અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ મહિલાનું મોત થયું હતું. આ ઘટના અંગે સેક્ટર ૨૧ પોલીસે ડમ્પરના ચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.
પાટનગર ગાંધીનગર શહેર તેમજ આસપાસના હાઇવે માર્ગો ઉપર
અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગાંધીનગર શહેરમાં પણ આંતરે દિવસે સર્જાતા નાના
મોટા અકસ્માતમાં મૃત્યુ આંક વધી રહ્યો છે. આ સ્થિતિમાં આજે સવારે સર્જાયેલા વધુ એક
અકસ્માતમાં મહિલા નર્સનું મોત થયું છે. જે ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો
પ્રમાણે ચાંદખેડા ખાતે રહેતા અને યુ એન મહેતા હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા
તરુણાબેન કનુભાઈ પ્રજાપતિ આજે સવારના સમયે તેમની પુત્રી રુચિતા સાથે મોપેડ ઉપર
સેક્ટર ૨૪માં કામ અર્થે આવ્યા હતા. જ્યાંથી કામ પૂર્ણ કરીને તેઓ મોપેડ ઉપર પરત
ચાંદખેડા જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન શહેરના ગ-૫ સર્કલ પાસે પૂર ઝડપી જઈ
રહેલા ડમ્પરે તેમના મોપેડને ટક્કર મારી હતી અને જે અકસ્માતમાં તરુણાબેન અને તેમની
પુત્રી નીચે ભટકાયા હતા. જોકે ગંભીર ઇજાઓને કારણે તરુણાબેનનું સ્થળ ઉપર જ મોત થયું
હતું. અકસ્માતની આ ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આ ઘટના અંગે
પોલીસને જાણ કરવામાં આવી હતી. અકસ્માત સર્જીને ડમ્પરનો ચાલક ભાગી ગયો હતો. જો કે
પોલીસે તેને ઝડપી લીધો છે હાલ આ અંગે સેક્ટર ૨૧ પોલીસ દ્વારા ડમ્પરના ચાલક સામે
અકસ્માતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.