નંદેસરીમાં રજીસ્ટ્રેશન વગર પ્રેકિટસ કરતો ડોક્ટર ઝડપાયો
દવાઓ, ઇન્જેક્શન સહિત ૪૬ હજારનો સામાન કબજે
વડોદરા,નંદેસરી ગામમાં યોગ્ય રજીસ્ટ્રેશન વગર ક્લિનિક ચલાવતા પશ્ચિમ બંગાળના શખ્સને એસ.ઓ.જી.એ ઝડપી પાડયો હતો. પોલીસે તેની સામે ગુનો દાખલ કરી દવા તથા ઇન્જેક્શનનો જથ્થો કબજે કર્યો છે.
એસ.ઓ.જી.ને માહિતી મળી હતી કે, નંદેસરી ગામ મેન બજાર શાક માર્કેટ સામે શાંતિ ક્લિનિક મનતોશ બિશ્વાસ નામનો વ્યક્તિ માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર દવાખાનુ ચલાવે છે. જેથી, પી.આઇ. એસ.ડી.રાતડાની સૂચના મુજબ પોલીસ સ્ટાફે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરને સાથે રાખીને ઉપરોક્ત સ્થળે તપાસ કરી હતી. તપાસ દરમિયાન મનતોશ મનોરંજન બિશ્વાસ મળી આવ્યો હતો. તેની પાસેથી મેડિકલ પ્રેક્ટિસનું સર્ટિફિકેટ અલ્ટરનેટિવ મેડકિલ કાઉન્સીલ કોલકત્તાનું મળી આવ્યું હતું.તેના આયુર્વેદિક સર્ટિફિકેટ તથા ડિગ્રી સર્ટિફિકેટની તપાસ કરતા તે આયુર્વેદિક ડોક્ટર હોવાનું જણાઇ આવ્યું હતું. એલોપેથી પ્રેક્ટિસ માટેનું ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક અને યુનાની સિસ્ટમ ઓફ મેડિસીન કે અન્ય કોઇ મેડિકલ શાખામાં તેણે રજીસ્ટ્રેશન કરાવ્યું નહતું.
જેથી, પોલીસે મનતોશ મનોરંજનભાઇ બિશ્વાસ (રહે. મધુવન હોમ્સ, વડીયાવગો, અનગઢ ગામ, તા.વડોદરા, મૂળ રહે. પ.બંગાળ) ની સામે ગુનો દાખલ કરી કફ સિરપની બોટલો, ઇન્જેક્શનો, દવાઓ મળી કુલ રૃપિયા ૪૭,૯૮૬ ની મતા કબજે કરી છે.