જામનગરના એક વેપારી પાસેથી 10,000 નું 25,000 વ્યાજ વસૂલી લેનાર વ્યાજખોર સામે ગુનો નોંધાયો
જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતા એક વેપારીએ પોતાની પાસેથી 10,000 રૂપિયા નું 25,000 રૂપિયા વ્યાજ વસૂલી લીધા પછી વધુ 25,000 ની માંગણી કરતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
આ ફરીયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતા શંકરભાઈ મનહરલાલ રોહેરા નામના 32 વર્ષના સિંધી વેપારી યુવાને પોતાની પાસેથી રાક્ષસી વ્યાજ વસૂલવા અંગે અને વધુ નાણાં પડાવવા અંગે સાધના કોલોની માં રહેતા અજય બરછા સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી વેપારીએ આજથી ત્રણ માસ પહેલાં આરોપી અજય બરછા પાસેથી 10,000 રૂપિયા વ્યાજે લીધા હતા, જેના વ્યાજ પેટે 25 હજાર રૂપિયા ચૂકવી દીધા છતાં હજુ 25,000 જેટલી રકમ આપવી પડશે, તેવી ધાકધમકી આપી પઠાણી ઉઘરાણી કરાતી હોવાથી મામલો સીટી એ. ડિવિઝન પોલીસમાં લઈ જવાયો હતો, અને પોલીસે ગેરકાયદે વ્યાજ વસુલનાર અજય બરછા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.