ખાનગી બેંકના મેનેજરની કારમાંથી ડંડો મળી આવતા ગુનો દાખલ
ડંડા પર અણીદાર ખિલ્લા લગાડયા હતા : પોતાની સેફ્ટી માટે રાખ્યો હોવાની રજૂઆત
વડોદરા,વાહન ચેકિંગ દરમિયાન ખાનગી બેંકના મેનેજરની કારમાંથી અણીદાર ખિલ્લાવાળો ડંડો મળી આવતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
વારસિયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઇકાલે રાતે હરણી વારસિયા રીંગ રોડ પર પંચશીલ ત્રણ રસ્તા પાસે વાહન ચેકિંગની કામગીરીમાં હતો. તે દરમિયાન એક કારને ચેક કરવા માટે ઉભી રાખી હતી. પોલીસે કાર ચાલક હિમાંશુકુમાર ઘનશ્યામભાઇ ભટ્ટ (રહે. ગોકુળ નગર, અંબિકા નગર પાસે, ગોત્રી રોડ) ને ગાડીની નીચે ઉતારી ડીકી ખોલાવી ચેક કરતા ડીકીમાંથી અણીદાર ખિલ્લા લગાડેલો અને વાયર વીંટાળેલો એક ડંડો મળી આવ્યો હતો. જેથી, પોલીસે તેની સામે હથિયાર બંધીના ભંગનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જણાવ્યું હતું કે, હિમાંશુકુમાર એચ.ડી.એફ.સી. બેન્કમાં મેનેજર તરીકે નોકરી કરે છે. પોતે સેફ્ટી માટે ડંડો રાખ્યો હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું.