Get The App

પતિ જેલમાં, પત્ની અને પુત્રએ દારૃ ભરેલુ કન્ટેનર મંગાવતા ઝડપાયું

પોલીસ આવે છે તેવી માહિતી મળતા દારૃનો જથ્થો અડધો ખાલી કરી કન્ટેનર ભાગ્યું હતું ઃ રૃા.૫૨.૪૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

Updated: Dec 12th, 2024


Google NewsGoogle News
પતિ જેલમાં, પત્ની અને પુત્રએ દારૃ ભરેલુ કન્ટેનર મંગાવતા ઝડપાયું 1 - image

વડોદરા, તા.12 વડોદરા નજીક રતનપુર ગામનો નામચીન બૂટલેગર રાકેશ ઉર્ફે લાલો પાસા હેઠળ જેલમાં હોવા છતાં તેની પત્ની અને પુત્રએ મોટાપાયે દારૃનો ધંધો સંભાળી મધ્યપ્રદેશથી દારૃનો જથ્થો ભરેલું એક કન્ટેનર મંગાવતા પોલીસે મળસ્કે દરોડો પાડીને કન્ટેનર સાથે દારૃનો જથ્થો ઝડપી પાડી કન્ટેનરના ચાલકની ધરપકડ કરી રૃા.૫૨.૪૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે રતનપુરનો નામચીન બૂટલેગર રાકેશ ઉર્ફે લાલો જયસ્વાલ હાલમાં જેલમાં છે અને તેની ગેરહાજરીમાં પુત્ર સચિન તેમજ પત્ની સીમાએ દારૃ વેચાણ ચાલુ રાખ્યું છે અને તેમણે એક આઇસર કન્ટેનરમાં દારૃ મંગાવ્યો છે તેમજ તેના ઘેર દારૃ ઉતરી રહ્યો છે તેવી માહિતી મળતા વરણામા પોલીસ વહેલી સવારે રતનપુર પહોંચી ત્યારે ગામમાથી એક કન્ટેનર નીકળી કપુરાઇ ચોકડી તરફ જતા પોલીસે તેનો પીછો કરી ઝડપી પાડયું હતું. આ વખતે કન્ટેનરમાંથી ઉતરીને બે શખ્સો ભાગતા વિજયકુમાર બલરામસિંગ યાદવ (રહે.દેવદહાના, જિલ્લો અલાહાબાદ, ઉત્તર પ્રદેશ)ને ઝડપી પાડયો હતો.

પોલીસે તેની પૂછપરછ કરતાં કન્ટેનરમાં દારૃ ભર્યો છે તેમજ રતનપુરમાં ઉતારવા માટે આવ્યો હતો. ગામના એક ઘરના વાડામાં દારૃ ઉતારતો હતો ત્યારે સચિન અને એક મહિલાએ પોલીસ આવે છે તું તાત્કાલિક નીકળી જા તેમ કહેતાં હું દારૃ ઉતારવાનો બાકી રાખી કન્ટેનર લઇને નીકળી ગયો હતોતેમ જણાવ્યું હતું. દારૃનો જથ્થો રતનપુરમાં ક્યાં ઉતાર્યો હતો તેમ પૂછી તેને સાથે રાખી રતનપુરમાં તપાસ કરતાં તેને રાકેશ ઉર્ફે લાલાનું ઘર બતાવ્યું હતું ત્યાં એક પતરાના શેડમાં દારૃ ઉતાર્યો  હોવાનું જણાવતા પોલીસે ત્યાંથી પણ દારૃ કબજે કર્યો હતો.

ડ્રાઇવરે કહ્યું હતું કે દારૃનો જથ્થો ભરેલું કન્ટેનર ઇન્દોરમાં રહેતા રવિભાઇ નામના શખ્સે આપી રતનપુર જવા કહ્યું હતું અને રતનપુર આવતા સચિન મને લેવા આવ્યો હતો. પોલીસે દારૃનો જથ્થો, કન્ટેનર, મોબાઇલ સહિત કુલ રૃા.૫૨.૪૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. કન્ટેનરમાં દારૃ ભર્યો છે તેવી કોઇને શંકા ના જાય તે માટે કન્ટેનર પર ડાક પાર્સલનું લખાણ હતું. પોલીસે સચિન રાકેશ જયસ્વાલ, તેની માતા સીમાબેન, અને ઇન્દોરના સપ્લાયર રવિભાઇને ફરાર જાહેર કર્યા હતાં.




Google NewsGoogle News