હાઇવે પર રૃા.૧૪.૮૮ લાખનો વિદેશી દારૃ ભરીને ઉભેલું કન્ટેનર ઝડપાયું
મોંઘા બ્રાન્ડની દારૃની બોટલ લઇને જતો રિક્ષા ડ્રાઇવર ઝડપાયો
વડોદરા,હરિયાણાથી લોખંડનો સામાન લઇને નીકળેલા કન્ટેનરના ડ્રાઇવરે ૩૦ હજારની લાલચમાં લોખંડના સામાનની વચ્ચે દારૃનો જથ્થો ભરી દીધો હતો. કન્ટેનર લઇને તે હાઇવે પર ઉભો હતો. બૂટલેગર દારૃ લેવા આવે તે પહેલા જ પીસીબીની ટીમે રેડ કરીને ૧૪.૮૮ લાખના દારૃ સાથે ડ્રાઇવરને ઝડપી પાડયો છે.
પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, નેશનલ હાઇવે - ૪૮ પર આવેલ હોટલ કન્ફર્ટ ઇન તથા નાયરા પેટ્રોલ પંપ વચ્ચે રોડની સાઇડમાં વિદેશી દારૃ ભરેલું કન્ટેનર ઉભું છે. જેથી, પીસીબી પી.આઇ. સી.બી.ટંડેલની સૂચના મુજબ, પી.એસ.આઇ. જે.એલ. જોધ્ધા, એ.એસ.આઇ. અરવિંદભાઇ તથા અન્ય સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા રાજસ્થાન પાસિંગનું એક કન્ટેનર ઉભું હતું. પોલીસે કન્ટેનરમાં તપાસ કરતા લોખંડના સામાનની આડમાં વિદેશી દારૃનો જથ્થો સંતાડી રાખ્યો હતો. પોલીસને તપાસ દરમિયાન અલગ - અલગ બ્રાન્ડની ૧૦,૮૪૮ બોટલ કિંમત રૃપિયા ૧૪.૮૮ લાખની મળી આવી હતી. પોલીસે દારૃ, કન્ટેનર, લોખંડનો સામાન અને મોબાઇલ ફોન મળીને કુલ રૃપિયા ૪૬.૧૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. કન્ટેનર સાથે પકડાયેલા આરોપી સાકીર નિયાઝમહંમદ ખાન (હાલ રહે. હુડા માર્કેટ, ફરિદાબાદ, હરિયાણા, મૂળ રહે. ભમઇયા મહોલ્લો ગામ, હરિયાણા)ની સામે ગુનો દાખલ કરી દારૃ સપ્લાય કરનાર તથા મંગાવનારની શોધખોળ હાથ ધરી છે.
જ્યારે અન્ય એક બનાવમાં ડીસીપી ઝોન - ૧ ના એલ.સી.બી. સ્ટાફને વિદેશી દારૃની માહિતી મળી હતી. જેના આધારે હે.કો. આઝાદ સૂર્વે તથા અન્યએ દારૃ ભરેલી રિક્ષા સાથે આરોપી સાકીર જાકીરભાઇ શેખ (રહે. ભીમવાડી, પરશુરામ રોડ) ને ઝડપી પાડયો હતો. પોલીસે વિદેશી દારૃની મોંઘા બ્રાન્ડની ૨૦ બોટલ કિંમત રૃપિયા ૩૦,૨૮૦, એક રિક્ષા તથા મોબાઇલ ફોન મળીને કુલ રૃપિયા ૮૫,૨૮૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે આરોપી અનવર કાસમભાઇ ચૌહાણને વોન્ટેડ જાહેર કર્યો છે.