સુરેન્દ્રનગરના પોપટપરા વિસ્તારમાં રહેતા તમામ રહિશોને જાનથી મારી નાંખવાની ધમકી અંગે ફરિયાદ નોંધાઈ
- પ્રેમસંબંધ મામલે પ્રેમીના ત્રણ મિત્રોએ સ્થાનીક રહિશો અને મહિલાઓને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી
- ભોગ બનનાર મહિલાએ પ્રેમી સહિત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી
- સુરેન્દ્રનગરમાં પ્રેમસંબંધ મામલે પ્રેમીએ મહિલાના પરિવારને ધમકી આપી
- પ્રેમીના ત્રણ મિત્રોએ મહિલા, તેના પતિ, સાસુને અપશબ્દો બોલી તકરાર કરી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરમાં પ્રેમ સંબંધમાં મહિલાના પતિએ પ્રેમીને ટકોર કરતા બોલાચાલી થઇ હતી. આ મામલે પ્રેમીના ત્રણ મિત્રોએ મહિલા, તેના પતિ અને સાસુને ગાળો આપી ઝઘડો કરતા પોલીસે ચેપ્ટર કેસ કરી જામીન પર છોડી દીધા હતા. જામીન પર છુટેલા આરોપીઓએ ફરી મહિલાને ધમકી આપતા લોકો એકઠા થઇ જતાં પ્રેમી તથા તેના ત્રણેય મિત્રોએ વિસ્તારના લોકોને જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
શહેરમાં રહેતી ફરિયાદી મહિલાને તેમના જ સમાજના અજીતભાઈ ધોધાભાઈ મેમકીયા સાથે પ્રેમસબંધ હોય અવાર-નવાર ફોન પર વાતચીત કરતા હતા. તાજેતરમાં પ્રેમીનો ફરિયાદીના મોબાઈલમાં મળવા માટેનો મેસેજ આવ્યો હતો, જે ફરિયાદીના પતિએ જોઈ લીધો હતો. ત્યાર બાદ મહિલાના પતિએ પ્રેમી અજીતભાઈ સાથે વાત કરી ફરિયાદી જોડે સબંધ નહીં રાખવાનું સમજાવતા બોલાચાલી અને ઝઘડો થયો હતો.
આથી સમાજના આગેવાનોએ વચ્ચે રહી એક જ જ્ઞાાતિના હોવાથી સમાધાન કરાવ્યું હતું. ત્યાર બાદ સાંજના સમયે પ્રેમી અજીતભાઈ મેમકીયાના કહેવાથી તેમના મિત્રો ફારૂકભાઈ મહંમદભાઈ જેડા, અમીરખાન અલ્લારખાભાઈ પઠાણ અને મહંમદભાઈ સલીમભાઈ કટીયા (ત્રણેય રહે.સુરેન્દ્રનગર)એ આવી ફરિયાદી સહિત તેમના પતિ અને સાસુને ગાળો આપી અજીત સાથે કેમ બોલાચાલી કરી તેમ જણાવી ઝઘડો કર્યો હતો. આ સમયે શેરીના અન્ય લોકો એકત્ર થઈ જતા આ ત્રણેય શખ્સોએ તેમને પણ માર મારવાની અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
આ બનાવ મામલે ફરિયાદી મહિલાએ એ-ડિવીઝન પોલીસ મથકે ત્રણેય શખ્સો સામે અરજી આપતા પોલીસે તેમને ઝડપી પાડયા હતા અને માત્ર ચેપ્ટર કેસ કરી જામીન પર છોડી દીધા હતા. જામીન પર છુટયા બાદ ત્રણેય શખ્સોએ ફરી વિસ્તારમાં રહેતા લોકોને જાનથી મારી નાંખશે તેવી ધમકી આપી હતી. જે મામલે ભોગ બનનાર ફરિયાદીએ એ-ડિવીઝન પોલીસ મથકે અજીતભાઈ ધોધાભાઈ મેમકીયા (રેહ.મીલની ચાલી, સુરેન્દ્રનગર), ફારૂકભાઈ મહમદભાઈ જેડા (રહે.રતનપર), અમીરખાન અલારખાભાઈ પઠાણ (રહે.નવી હાઉસીંગ બોર્ડ) અને મહમદભાઈ સલીમભાઈ કટીયા (રહે.ખાટકીવાડ) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.